કર્ફ્યુની કડક અમલવારી કરાવતી પોલીસ : પ્રથમ દિવસે સુધારવાની ચેતવણી બાદ બીજા દિવસે સપાટો મોરબી : મોરબીમાં કોરોના સંક્રમણ જેટ ગતિએ આગળ વધી રહ્યું હોવાથી રાજ્ય સરકાર દ્વારા રાત્રીના 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનાવ્યો હોવા છતાં હજુ પણ કેટલાક અણસમજુ લોકો કામ વગર આટાફેરા કરવાની સાથે મોડે સુધી ચાઈનીઝ આઈટમ અને ચા-પાનના ગલ્લા ચાલુ રાખતા કર્ફ્યુના બીજા દિવસે પોલીસ કડક બની હતી અને આવા છ ઈસમો સામે જાહેરનામા ભંગ સબબ ગુન્હો નોંધ્યો છે. મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ટીમ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી દરમિયાન અર્જુનભાઇ ઉર્ફે ભુરો ગણેશભાઇ ભાટી નામનો ઈસમ શનાળા રોડ ગાંધી ચોક પાસે પોતાની ચાની લારી મોડી રાત્રી સુધી ખુલ્લી રાખી મળી આવતા જાહેરનામાનો ભંગ સબબ ગુન્હો દાખલ કર્યો હતો. એજ રીતે અનીલભાઇ હંસભાઇ સોની નામના નેપાળી શખ્સે પોતાની ચાઇનીઝ લારી ખુલ્લી રાખી વેપાર કરતા મળી આવતા કફર્યુ ભંગનો ગુન્હો દાખલ કર્યો હતો. આ ઉપરાંત ગીરીશભાઇ જાદવજીભાઇ મકાણી પોતાની ધનશ્યામ ટ્રેઇલર નામની ખુલ્લી રાખી વેપાર કરતા મળી આવતા કફર્યુભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ આરીફભાઈ મુસાભાઈ ખુરેશી જરૂરી કામ વગર ફકત ફરવા માટે જ પોતાની હવાલાવાળી રીક્ષા રજી.નં.GJ-36-T-0746 લઈને નિકળી જાહેરનામાનો ભંગ કરતા મળી આવતા ગુનો દાખલ કરાયો હતો. તેમજ રશીદભાઇ જુમાભાઇ ચૌહાણ અવર જવર કરતા મળી આવ્યો હતો અને અયોધ્યાપુરી રોડ ઉપર હશનશા ઇકબાલશા શામદારને આટાફેરા કરતા ઝડપી લઇ પોલીસે જાહેરનામાનો ભંગ સબબ કાર્યવાહી કરી અણસમજુ લોકોને કાયદાના પાઠ ભણાવ્યા હતા.