હક્ક માટે ભીખ માંગવાનું બંધ કરો, હાથમાં દાતરડા અને ખરપિયા લ્યો : અલ્પાબેન પટેલમોરબી : મોરબીમાં રવાપર ચોકડી પાસે સરદાર સેના દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં સ્ટેજ પરથી ખેડૂત આગેવાનોએ વર્તમાન વ્યવસ્થા અને સત્તાધારીઓ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને ખેડૂતોને પોતાના હક માટે આંદોલનને તેજ કરવા માટે હાકલ કરી હતી.આ કિસાન સંમેલનમાં સંબોધન કરતા કારુભાઈ અમૃતિયાએ હિટાચી મશીન સળગાવાના કેસમાં નીલેશ એરવાડિયાને મળેલી નોટિસ અંગે જણાવ્યું હતું કે તેઓ તે દિવસે આખી રાત જેતપર ખાતે જ રહ્યા હતા. રોડની નીચે પણ ઉતર્યા ન હતા. છતાં નિલેશ એરવાડિયાને નોટિસ મળી છે. હવે સોમવારે નોટિસનો જવાબ આપવા જવાના છે. તેમણે સ્પષ્ટ કર્યું તેમને કોઈ રાજકીય પદ કે સત્તા જોઈતી નથી, તેઓ માત્ર ખેડૂતો માટે જ લડી રહ્યા છે. આ ઉપરાંત જેતપરમાં 9 લાઈન નીકળવાના પ્રશ્ને પણ ખેડૂતોની 7 વીઘા જમીન બરબાદ થવા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ખેડૂતો ભૂખે મરવાના આરે છે તેથી જ આ આંદોલન ઉપાડવામાં આવ્યું છે.સંમેલનમાં અલ્પાબેન પટેલે ખેડૂતોને સંબોધતા અત્યંત આક્રમક મૂડમાં જણાવ્યું હતું કે હવે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાનું બંધ કરીને સરદાર ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે સ્વતંત્ર ભારતના નાગરિકો તરીકે જો હક માંગવાથી ન મળે તો ખેડૂત પુત્રોએ એક જ હથિયાર હાથમાં લેવાની જરૂર છે - ભાઈઓએ 'ખરપિયા' અને બહેનોએ 'દાતરડા' લઈને મેદાનમાં આવવું પડશે. તેમણે સત્તામાં બેઠેલા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે આ લોકો ખેડૂતો અને શિક્ષણને પાયમાલ કરીને વધુ ભ્રષ્ટાચાર કરી પોતે ધનવાન બનવા માંગે છે અને ખેડૂતોને ગુલામ બનાવવા માંગે છે. છેલ્લા 75 થી 78 વર્ષથી આ જ ચાલી રહ્યું છે અને હવે આ જાડી ચામડીની સરકાર સામે પરિવર્તન લાવવા માટે એકતા બતાવવી જ પડશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યારે તેઓ જનતાને જાગૃત કરવા માટે સાચું બોલે છે ત્યારે અંધભક્તોના પેટમાં બહુ તેલ રેડાય છે.#MorbiUpdate #MorbiNews #KisanSammelan #FarmersProtest #SardarSena #GujaratFarmers #Jetpar #Kalyanpur #Morbi