અશોકસિંહે ઓપરેશન કારગીલ સમયે સેનામાં નાયક તરીકે બે મહિના સુધી લોન્ગેવાલામા ફરજ બજાવી હતીમોરબી : ભારત - પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના 300 જેટલા નિવૃત આર્મીમેન યુઘ્ધ મોરચે જવા તૈયાર હોવાનું જણાવી મોરબીના વતની અશોકસિંહ જાડેજાએ કારગિલ યુદ્ઘ સમયની યાદો તાજી કરી હતી. ફૌજી જવાન અશોકસિંહએ જણાવ્યું હતું કે, ઓપરેશન કારગિલ સમયે સેના પાકિસ્તાન કબ્જે કરવા તત્પર હતી પરંતુ અણુબોમ્બનો મુદ્દો આવતા બન્ને દેશ વચ્ચે સુલેહ થઈ જતા સરહદો શાંત થઈ હતી.હાલમાં પાડોશી દેશ સાથે યુદ્ધ જેવી સ્થિતિ અંગે મોરબીના વતની નિવૃત ફૌજી જવાન અને એક્સ આર્મી મંડળના પ્રમુખ અશોકસિંહ જાડેજા જણાવે છે કે, જિલ્લામાં 300 જેટલા નિવૃત આર્મીમેન છે. હાલની સ્થિતિના જિલ્લાના તમામ જવાન દેશ સેવા માટે તત્પર હોવાનું ઉમેરતા તેઓ જણાવે છે કે, ઓપરેશન કારગિલ સમયે તેઓ રાજસ્થાનના જેસલમેર નજીક લોન્ગેવાલા સરહદે સતત બે માસ સુધી ફરજ ઉપર હાજર રહ્યા હતા. વધુમાં તેઓ ઉમેરે છે કે, કારગીલ સમયે ભારતીય સેના સંપૂર્ણ સજ્જ હતી અને એક આદેશની રાહમાં હતી. જો આદેશ મળ્યો હોત તો પાકિસ્તાનમા ઘૂસી પાકિસ્તાનને પરાસ્ત કરી નાખ્યું હોત.વર્ષ 2004માં ભારતીય સેનામાંથી નિવૃત થયેલા અશોકસિંહ જાડેજા જણાવે છે કે, કારગિલ સમયે તેઓની ઉંમર 38 વર્ષ હતી. એ સમયે તેઓ નાયક તરીકે ફરજ બજાવતા હતા. સરહદો ઉપર તંગ સ્થિતિ હતી. સવારથી હથિયાર લોડ કરી સજાગ રહેતા અને ઉપરી અધિકારીના આદેશ મુજબ કામગીરી કરતા હતા. જો કે, વર્ષ 1999ના અરસામાં આજના જેવી આધુનિક ટેકનોલોજી પણ ન હોવા છતાં પણ એ સમયે દેશના સરહદી સીમાડાની સુરક્ષા માટે તેઓ અને તેમના સાથીદારો દ્વારા કરવામાં આવેલી કામગીરીને યાદ કરી વિકટ સ્થિતિ અંગે ચિતાર આપ્યો હતો. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, ભારતીય સેના પાકિસ્તાનમાં ઘુસી જવા તૈયાર હતી પરંતુ પોલિટિકલ બેઠકો અને અણુબોમ્બનો મુદ્દો આવતા બાદમાં શાંતિ સ્થપાઈ હતી.