લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનારા મોરબીના યુવા મતદારોએ બતાવ્યો પોતાનો મિજાજમોરબી : લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોને સૌથી વધુ આશા યુવા મતદારો પાસેથી છે. યુવા મતદારો જ દેશનું ભવિષ્ય નક્કી કરતાં હોય છે. ત્યારે મોરબી અપડેટે પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારો સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં યુવાનોએ રાજકીય પક્ષો પાસેથી પોતાની આશા-અપેક્ષા શું છે તે અંગે ખુલીને વાત કરી બોલ્યુ કરી બતાવે એવી સરકાર જોઈએ છે તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું.મોરબી અપડેટ સાથેની વાતચીતમાં રાજવી ગુંદારીયાએ જણાવ્યું કે, ભારતના નાગરિક તરીકે મત આપવો એ આપણી ફરજ છે અને અધિકાર પણ છે. મતદાન એ ભારતના લોકતંત્રનો પાયો છે તેથી દરેક યુવાનોએ મત ફરજિયાત આપવો જોઈએ. કેમ કે યુવાનોનો મત જ નક્કી કરે છે કે આપણું લોકતંત્ર કઈ દિશામાં આગળ વધશે. યાના સેજપાલે કહ્યું કે, હું પ્રથમ વખત મત આપીશ તે માટે મને ઘણો ઉત્સાહ છે. હું એવી પાર્ટીને મત આપીશ જે મહિલાઓને કામના સ્થળે પડતી અગવડો દૂર કરે.લોકસભા ચૂંટણીને લઈ બાવરવા શિવાંગીએ કહ્યું કે, એજ્યુકેશનને લઈને ઈચ્છું કે અમે જેને મત આપીશું એ અમને અભ્યાસ બાદ રોજગારી અપાવવામાં પણ મદદરૂપ થાય. એ જ રીતે કાવર જીનલે કહ્યું કે, મોરબી મહાનગરપાલિકા બન્યું છે પરંતુ મોરબીમાં બાગ બગીચા, પર્યટન સ્થળ જેવી સુવિધાઓ નથી. તો સરકાર પાસેથી અપેક્ષા છે કે મોરબીમાં આવા સ્થળો બનાવે. જયારે કટેશિયા પૂર્વીએ કહ્યું કે, સોશિયલ મીડિયાનો જે દૂરઉપયોગ થઈ રહ્યો છે તેની સામે સરકાર પગલા લે અને દુરઉપયોગ બંધ કરાવે.ઝાલા મુગ્ધરાજસિંહે મોરબી અપડેટને જણાવ્યું કે, અમારે બોલી બતાવે એવી નહીં પણ કરી બતાવે એવી સરકાર જોઈએ છીએ. મોરબી હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે કલાજગત ક્ષેત્રમાં વિકાસ થાય, રમતગમતના મેદાનનો વિકાસ થાય, કોલેજમાં વિવિધ યોજનાઓ આવે અને રોડ રસ્તાઓ સારા બને તેવી આશા રાખીએ છીએ.ઝાલા હરદિપસિંહે કહ્યું કે, પ્રથમ વખત મત આપવા જઈ રહ્યા છીએ જેથી અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આવનારા સમયમાં અમે એવી સરકાર ઈચ્છીએ છીએ જે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણયો લે. સાથે જ સરકારી નોકરીઓની તૈયારી માટે મોરબીમાં ક્લાસિસ શરૂ કરે અને પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરે તેવી આશા રાખીએ છીએ.મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..