રખડતા ઢોરને ડબ્બે પુરવામાં નિષ્ફળ ગયેલી પાલિકાને ઢંઢોળવા જાગૃત સંસ્થા દ્વારા નવતર વિરોધ મોરબી : મોરબીમાં વરસાદી વાતાવરણને પગલે શહેરમાં ઠેરઠેર રખડતા ઢોરનું વર્ચસ્વ વધી ગયું છે. થોડા સમય અગાઉ નગરપાલિકાએ રખડતા ઢોરને ડબ્બે પુરવાની ઝુંબેશ શરૂ કર્યા બાદ પાણીમાં બેસી જતા રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરને ડબ્બે પુરવામાં નિષ્ફળ ગયેલી પાલિકાને ઢંઢોળવા જાગૃત સંસ્થા દ્વારા નવતર વિરોધ કરાયો છે. જેમાં 'અમારી પાસે મોરબીમાં ગમે ત્યાં બેસવાનું-ફરવાનું લાયસન્સ છે' તેવા બેનરો રખડતા ઢોરની પીઠ પર લગાવાયા છે. મોરબી શહેરમાં લાંબા સમયથી રખડતા ઢોરના ત્રાસની ગંભીર સમસ્યા છે. તેમાંય હમણાથી વરસાદી વાતાવરણ રખડતા ઢોરનો ત્રાસ બેકાબુ બન્યો છે. શહેરના મુખ્ય માર્ગો તો ઠીક શહેરના એકપણ વિસ્તાર એવા નહિ હોય કે જ્યાં રખડતા ઢોરનો ત્રાસ ન હોય, દરરોજ આખલાયુદ્ધને કારણે લોકોના જીવ પડીકે બંધાય જાય છે. ઘણી વખત આખલા યુદ્ધને કારણે લોકોને નાની મોટી ઇજા થાય છે. જો કે થોડા સમય અગાઉ તંત્રએ ઢોર પકડ ઝુંબેશ શરૂ કરી હતી. પણ તંત્ર ફરી પાણીમાં બેસી જતા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. દરમિયાન રખડતા ઢોરના ત્રાસને દૂર કરવામાં નિષ્ફળ ગયેલી મોરબી નગરપાલિકાને ફરજનું ભાન કરાવવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્ટરી કે,ડી.બાવરવા સહિતના લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં મોરબીમાં દસેક સ્થળે અડીંગો જમાવીને બેઠેલા રખડતા ઢોરની.પીઠ ઉપર બેનેરો લગાવી દેવામાં આવ્યા છે. અમારી પાસે મોરબીમાં ગમે ત્યાં બેસવાનું અને ફરવાનું લાયસન્સ છે તેમજ અમે રખડુ ઢોર નથી. તેવા કટાક્ષયુક્ત બેનેરો રખડતા ઢોરની પીઠ ઉપર લગાવી દઈને પાલિકા તંત્રને ઢોરને ડબ્બે પુરવા માટે નક્કર કાર્યવાહી કરવાની શીખ આપી હતી. આ બનેરોથી નગરપાલિકા તંત્ર શરમ અનુભવી તત્કાળ શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવામાં કાર્યવાહી કરે તે માટે નવતર વિરોધ કરાયો હોવાનું કે.ડી.બાવરવાએ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..