પાલિકાની સામાન્ય સભામાં 15 સભ્યો ગેરહાજર : 37 સભ્યોનો સરકારને સ્પષ્ટભાષામાં જવાબ મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા મોંરબી પાલિકાને સુપરસીડ કરવા નોટિસ ફટકારવામાં આવતા આજરોજ મોરબી નગરપાલિકાની મહત્વપૂર્ણ સામાન્ય સભા મળી હતી. જો કે આ સામાન્ય સભામાં મોરબી પાલિકાના 15 સભ્યો ગેરહાજર રહ્યા હતા અને 37 સભ્યોએ જનરલ બોર્ડમાં હાજર રહી સાપ ભી ન મરે લાઠીભી ન તૂટે ઉક્તિ મુજબ અમારી પાસે ઝૂલતા પુલનું કોઈ સાહિત્ય નથી, સાહિત્ય આવે બાદમાં જવાબ આપશું તેવો ઠરાવ કરવા નક્કી કર્યું હતું. મોરબી નગરપાલિકા સંચાલિત ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ નિપજવા પ્રકરણમાં ગુજરાત સરકાર દ્વારા મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવા મામલે નોટિસ ફટકારવામાં આવતા આજરોજ મોરબી નગરપાલિકાની ચૂંટાયેલી પાંખ દ્વારા તાકીદે સામાન્ય સભા યોજવામાં આવી હતી, આ સામાન્યસભામાં બે સભ્યો ગેરહાજર રહ્યા હતા જયારે 13 સભ્યોએ રજા રિપોર્ટ આપ્યો હતો જયારે બાકીના 37 સભ્યો હાજર રહ્યા હતા ને ગુજરાત સરકારને હાલમાં પાલિકા પાસે કોઈ જ સાહિત્ય ન હોવાનું જણાવી ઝૂલતા પુલને લગત સાહિત્ય આવ્યા બાદ જરૂરી ઠરાવ કરી મોકલી આપવા ઠરાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે મોરબી નગર પાલિકાની સામાન્ય સભા મળનાર હોય આજે સવારથી મોરબી પાલિકાના સભ્યો દ્વારા મિટિંગના દૌર શરૂ થયા હતા ને સભામાં હાજર રહેવું કે નહીં તે અંગે લાંબી ગડમથલ બાદ 37 સભ્યો પાલિકાની સામાન્યસભામાં હાજર રહી સાપ ભી ન મરે ઔર લાઠી ભી ન તૂટે તે મુજબ ઉક્તિ મુજબ બિંબા ઢાળ ઠરાવ રજુ કરી પાલિકાની જવાબદારી ખંખેરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.