જાહેર માર્ગ ઉપર દબાણ મામલે રજુઆત બાદ કોર્પોરેશને ફટકારી નોટિસ મોરબી : મોરબી શહેરના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જાહેરમાર્ગ ઉપર દબાણ કરી દબાણકારો દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની સ્થાનિકોએ રજુઆત કર્યા બાદ કોર્પોરેશને દબાણ કરનાર લોકોને નોટિસ ફટકારી છે અને સોમવાર સુધીનો સમય અપાયો છે ત્યારે જેમની સામે આક્ષેપો થયા છે તેવા રહેવાસીઓએ રજુઆત કરી તેઓ 50 વર્ષથી વસવાટ કરી રહ્યા હોવાનું અને કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરતા હોવાનું કમિશનર સમક્ષ રજુઆતમાં જણાવ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહેવાસીઓએ મહાનગર પાલિકામાં રજુઆત કરી જાહેરમાર્ગ ઉપર કેટલાક લોકોએ દબાણ કર્યું હોવાની ફરિયાદ કરતા મહાનગર પાલિકા દ્વારા દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી છે. બીજી તરફ જેમના ઉપર દબાણનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેવા હૈદરભાઈ રાઘુભાઈ કાજેડીયા સહિતના 11 લોકોએ મ્યુનિસિપલ કમિશનરને વળતી રજુઆત કરી અહીં તેઓ વર્ષોથી વસવાટ કરતા હોવાનું અને કોઈપણ પ્રકારના ગેરકાનૂની કામ ન કરતા હોવાનું જણાવી કેટલાક લોકોને અમો ગરીબ માણસો ગમતા ન હોવાથી જ આવી અરજી કરી હોવાનું જણાવ્યું હતું.