સિંચાઈ અધિકારીએ ખેડૂતોને ઉનાળુ પાક માટે તા.28થી પાણી છોડવાની ખાતરી આપી હળવદ : હળવદ પંથકના ખેડૂતોએ હાલ ઉનાળુ પાકને બચાવવા માટે બ્રાહ્મણી-૧ ડેમમાંથી પાણી છોડવાની રજુઆત કરી હતી.આ રજુઆતને પગલે સિંચાઈ અધિકારીએ ખેડૂતોને ઉનાળુ પાક માટે તા.28થી પાણી છોડવાની ખાતરી આપી છે. એકાદ મહિના પહેલા બ્રાહ્મણી-૧ ડેમમાંથી ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું. જેથી ખેડૂતોએ વાવેતર પણ કર્યું હોય અને પાકને ચાર પાણી પણ પીવડાવ્યા હતા ત્યારબાદ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું.જોકે હજુ બે પાણીની જરૂરિયાત હોય જેથી હળવદના ખેડૂતોએ બ્રાહ્મણી-૧ ડેમમાંથી જમણે કાંઠે સિંચાઈ માટે પાણી આપવાની રજુઆત કરી હતી.જેમાં મેરુપર, ગોલાસણ, પાંડાતીર્થ, માનસર, સિરોઇ, કેદારિયા, અજિતગઢ, હળવદ, રાણેકપર સહિતના ગામોના ખેડૂતોએ હાલ ઉનાળુ પાકને બચાવવા માટે પાણી આપવા રજૂઆત કરતાં આ રજુઆતને પગલે સિંચાઈ અધિકારીએ ખેડૂતોને ઉનાળુ પાક માટે તા.28થી પાંચ દિવસ પાણી છોડવાની ખાતરી આપી છે. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ 400 હેક્ટરથી પણ વધુ જમીનમાં લહેરાતો પાક બચી જશે.