મચ્છુ-2 કેનાલમાંથી પાણી ન છોડતા મોરબી તાલુકાના સરપંચો વિફર્યા પાણી આપો.. પાક બચાવો..ના બેનર સાથે ઉગ્ર દેખાવો મોરબી : મોરબીમાં મચ્છુ-2 સિંચાઇ યીજનાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી ન છોડાતા મોરબી સરપંચ એસોસિએશને આક્રમક રવૈયો અખત્યાર કર્યો છે. જો કે અગાઉ મચ્છુ-2 કેનાલના કમાન્ડ એરિયામાં આવતા તમામ ખેડૂતો માટે પાણી છોડવાની રજુઆત કરી હતી. પણ હાલ પાક બળી જવાની તૈયારીમાં હોવા છતાં પાણી ન છોડાતા મોરબી તાલુકાના સરપંચો વિફર્યા છે. અને ગઈકાલે આપેલી ચીમકી મુજબ આજે સરપંચો ખેડૂતોને સાથે રાખી મચ્છુ-2 કેનાલની ઓફીસ ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના નેજા હેઠળ સરપંચોએ ગઈકાલે કલેકટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, હાલ વરસાદ ખેંચાતા ઉભો મોલ સુકાવા લાગ્યો છે. નજર સામે પાક બળતો જોઈને ખેડૂતોના હૈયા સળગી ઉઠ્યા છે. આવા સંજોગોમાં તાત્કાલિક પાણી ન મળે તો ખેડૂતોનો સંપૂર્ણપણે પાક નિષ્ફળ જાય તેમ છે. તેથી ગત 20 ઓગસ્ટના રોજ મચ્છુ-2 સિંચાઇ યોજનાની કેનાલમાંથી આ કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતોને પાણી છોડવાની માંગ કરી હતી. પંરતુ હજુ સુધી આ બાબતે કોઈ નિર્ણય લેવાયો નથી. હવે બે દિવસમાં પાણી ન છોડાઈ તો ખેડૂતોનો પાક નિષફળ જશે આથી ગઈકાલે સાંજ સુધીમાં મચ્છુ કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી હતી. તંત્ર આ મુદ્દે યોગ્ય નિર્ણય ન લે તો આજે મોરબી તાલુકાના સરપંચો ખેડૂતોને સાથે રાખી મચ્છુ-2 કેનાલની ઓફીસ ખાતે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી. આમ છતાં મચ્છુ કેનાલમાંથી પાણી ન છોડતા અગાઉ આપેલી ચીમકી મુજબ આજે ખેડૂતોને સાથે રાખી મોરબી તાલુકાના સરપંચોએ નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-સિંચાઇ યોજનાની મોરબી ખાતે આવેલી ઓફીસ પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને પાણી આપો તેમજ પાક બચાવોના બેનર સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ મુદ્દે તંત્ર કેવો નિર્ણય લે છે તેના પર સૌની મીટ મંડાઈ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે મચ્છુ - 2 ડેમમાંથી પાણી છોડવા માટે સાંસદથી લઈ ધારાસભ્ય, સહકારી અગ્રણીઓ દ્વારા અનેકવિધ લેખિત રજુઆત કરવા છતાં સિંચાઇ વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોની માંગ પ્રત્યે ધ્યાન ન આપવામાં આવતા આજથી ઉગ્ર આંદોલનના મંડાણ થયા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..