આવતા બે દિવસમાં પાણી નહિ મળે તો ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી હળવદ : હળવદના અમુક ગામડાઓમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની ભયંકર સમસ્યા સર્જાવાનું શરૂ થયું છે.જેમાં એક હળવદ તાલુકાના છેવાડાનું ગણાતું નવા ઘાટીલા ગામ પણ છે.અહીં છેલ્લા દસ દિવસથી ગામમાં પાણી જ નથી આવ્યું જેના કારણે ગ્રામજનોની સાથે પશુઓ પણ પાણી માટે ફાફા મારી રહ્યા છે.રણકાંઠાને અડીને આવેલા હળવદના નવા ઘાટીલા ગામમાં 700ની વસ્તી અને 300 પશુઓની સાથે 400 જેટલા ખેત મજૂરો રહે છે.અહીં પંચાયતનો પાણીનો બોર તો હતો પરંતુ તે બુરાઈ ગયો હોય નવો પંચાયતનો બોર ત્યાર પછી બનાવવામાં આવ્યો નથી,રણકાંઠાનું ગામ હોય જેના કારણે પાણીના તર પણ ખારા થઈ ગયા હોય જેથી પાણી પીવા લાયક રહ્યું નથી. જેના કારણે ગામ લોકોને નર્મદાનું પાણી મળે તો જ પી શકાય તેવી સ્થિતિ છે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા હળવદના ખેતાવાવથી નવા ઘાટિલા સુધી પાણીની પાઇપલાઇન તો નાખવામાં આવી છે પરંતુ પંચાયતની અનેક રજૂઆતો બાદ પણ ગામમાં પાણી પહોંચતું નથી તે પણ હકીકત છે.ગામના સરપંચ મનસુખભાઈ કૈલાએ જણાવ્યું હતું કે પંચાયતનો બોર બુરાઈ ગયો છે નવા બોરની મંજૂરી દેતા નથી ગામના પાણીના તર ખારા થઈ ગયા છે જેથી માળીયા બ્રાન્ચની નર્મદા કેનાલ માંથી ગામ લોકોને પાણી વિતરણ કરવામાં આવતું હતું જોકે 16 માર્ચ થી કેનાલ બંધ થતા ગામમાં પાણીની ભયંકર પરિસ્થિતિ સર્જાઈ છે અને આવી પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગામમાં પાણી પહોંચે તે માટે પાઇપલાઇન તો નાખવામાં આવી છે પરંતુ તેમાં પાણી આવતું નથી જેના કારણે પીવા લાયક પાણી શોધવા ગામ લોકો રજળી રહ્યા છે. જેથી વહેલી તકે ગામમાં પીવા લાયક પાણી પહોંચાડવામાં આવે નહિતર પછી આવતા બે દિવસમાં ગ્રામજનોને સાથે રાખી પાણી માટે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.