મોરબી : મોરબીના પંચાસર રોડ પર સત્યમ હોલ પાસે બે દિવસથી પાણીની લાઈન તૂટી ગઈ હોવાથી આસપાસની સોસાયટીઓમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. પાણીની લાઈન તૂટી જતાં સત્યમ હોલ આસપાસની અક્ષર પાર્ક, નિરવ પાર્ક, ત્રિમૂર્તિ પાર્ક, સ્વાતિ પાર્ક સહિતની સોસાયટીઓમાં બે દિવસથી પાણી આવ્યું નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ અંગે સ્થાનિક રહીશ અનિલભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સત્યમ હોલ પાસે બે દિવસથી પાણીની લાઈન તૂટી ગઈ છે. બે દિવસ પહેલા આ જગ્યાએ જેસીબી વડે ખોદાણ કામ ચાલતું હતું તે દરમિયાન આ લાઈન તૂટી હોવાનો અંદાજ છે. લાઈન તૂટી જતાં પાણી વિતરણ પણ બંધ છે. આ અંગે સ્થાનિક રહીશો આજ રોજ મોરબી મહાનગરપાલિકાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે તેમ આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે રહીશોની માગ છે કે તાત્કાલિક ધોરણે પાણી વિતરણ ચાલુ કરવામાં આવે.