મોરબી અપડેટના રિયાલિટી ચેક બાદ તંત્ર જાગ્યું : ક્લોરીનેશન અને બ્લીચિંગ ચાલુ કરી દેવા આદેશ, મૃત માછલીઓ કાઢી સફાઈ જાળવવા પણ સૂચનામોરબી : મોરબીનું નજરબાગ ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોય, ડેમનું ગંદુ પાણી લોકોને સીધે સીધું ફિલ્ટર કર્યા વગર જ ધાબડી દઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાના 'મોરબી અપડેટ'ના સમાચાર પ્રસિદ્ધ થતા પાણી પુરવઠા વિભાગે હરકતમાં આવી તુરંત કામગીરીના આદેશ જારી કર્યા છે.મોરબીના નજરબાગ ફિલ્ટર પ્લાન્ટમાંથી ભડિયાદ, ત્રાજપર, માળિયા વનાળિયા, લાલપર, ધરમપુર, ટીંબડી ગામની 40 હજાર વસ્તીને પાણી વિતરણ કરવામાં આવે છે. આ વિસ્તારમાં પાણી અતિશય ગંદુ અને દુર્ગંધ મારતું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે 'મોરબી અપડેટ'ની ટીમે નજરબાગ ફિલ્ટર પ્લાન્ટનું રિયાલિટી ચેક કરતા આ ફિલ્ટર પ્લાન્ટ તો બે વર્ષથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં ક્લોરીનેશનની પ્રક્રિયા થતી હોય છે તે જગ્યાએ બેથી ત્રણ મરેલા માછલાં પણ જોવા મળ્યા હતા. જે અંગેના સમાચાર પ્રસિદ્ધ થતા પાણી પુરવઠા વિભાગ હરકતમાં આવ્યો છે. આ મામલે પાણી પુરવઠા વિભાગના અધિકારી એમ.એસ.દામાએ જણાવ્યું કે ડેમના પાણીમાં ડોળાશ વધી ગઈ છે. એટલે ક્લોરીનેશન અને બ્લીચિંગ કરવાનો આદેશ આપી દેવાયો છે. મૃત માછલીઓ હટાવી સફાઈ જાળવવા પણ સૂચના અપાઈ છે. આ સાથે ફિલ્ટર પ્લાન્ટ રીપેરીંગ માટે પણ આયોજન ગોઠવ્યું છે.