અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતા વેચાણથી પાણી લેવું પડતું હોવાની રાવમોરબી : માળિયા વનાળિયા ગ્રામપંચાયતના ગ્રામજનોની બહેનો દ્વારા 3 વર્ષથી પાણીની સમસ્યા રહેતા વેચાણથી પાણી લેવું પડતું હોય તેમજ આર્થિક રીતે ગરીબીમાં પાણીની સમસ્યા ઉદભવતી હોવાની રાવ સાથે મોરબી જીલ્લા અધિક કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. જેમાં ગ્રામજનોએ ભૂખહડતાલ અને જરૂર પડ્યે આત્મવિલોપનની પણ ચીમકી પણ ઉચ્ચારી છે.રજૂઆતમાં માળિયા વનાળિયા ગ્રામપંચાયતના રામજીભાઈ જેઠાભાઈ ચાવડાએ જણાવ્યું છે કે, અનૂસુચિત મજૂર વિસ્તાર માળિયા વનાળિયા ગ્રામપંચાયત વિવિધ ગામ સહિત 8000 - 10000થી વધુની વસ્તી ધરાવે છે. આ વિસ્તારમાં અનિયમિત પાણીની સમસ્યાથી પરેશાન લોકોએ વેચાણથી પાણી લેવું પડે છે. 3 વર્ષથી પાણીની સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેનું કોઈ નિવારણ આવતું નથી. માળિયા વનાળિયા ગ્રામપંચાયત દ્વારા કાયમી પાણી આપવા બાબતે અવાર-નવાર પાણી પૂરવઠા અધિકારી અને કલેક્ટર કચેરી તેમજ વિવિધ કચેરીમાં અનેક વાર લેખિત રજૂઆત કરી હોવા છતાં કોઈ નિવેડો આવતો નથી. ત્યારે જો પાણીની સમસ્યાનું 2 દિવસમાં નિવારણ નહીં આવે તો ભૂખહડતાલ પર ઉતરવા જણાવ્યું છે.જ્યારે આ વિસ્તારના અગ્રણી ગૌતમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જો ટૂંક સમયમાં આમારો પાણી પ્રશ્ન હલ કરવામાં નહિ આવે તો જરૂર પડ્યે અમે તંત્રને જગાવવા આત્મવિલોપન કરતા પણ ખચકાશું નહિ.