મોરબી: એક તરફ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર પાણી બચાવવાની અપીલ કરી રહ્યું છે, ત્યારે મોરબીમાં ખુદ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલામાંથી જ પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.મોરબીના સામાકાંઠે એલ.ઇ. કોલેજ રોડ પર આવેલો જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો લાંબા સમયથી બંધ છે અને તેમાં હાલ કોઈ રહેતું નથી. ત્યારે બંગલાની અંદરથી પાણી બહાર નીકળીને રોડ પર ભરાઈ ગયું છે, જેના કારણે જાહેર માર્ગ પર પાણીનો ભરાવો થયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ આ જ સ્થળેથી પાણીનો વેડફાટ થયો હતો, જેને ઘણા દિવસો બાદ માંડ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, ફરી એકવાર આ સ્થળે પાણીનો વેડફાટ શરૂ થયો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તેવી માંગણી ઉઠી છે.