પાણી લાઈનમાંથી રીતસર પાણીનો ધોધ વછૂટતા વગર ચોમાસે આખો વિસ્તાર જળમગ્ન બન્યો મોરબી : મોરબીના સરદાર બાગમાં આવેલ પાણીની લાઈનમાં કોઈ કારણોસર ભંગાણ પડતા રીતસર ઉંચા-ઉંચા પાણીનો ફુવારા ઉડ્યા હતા અને પાણીની લાઈનમાંથી રીતસર પાણીનો ધોધ વછૂટતા વગર ચોમાસે આખો વિસ્તાર જળમગ્ન બની ગયો હતો. પાણીની લાઈનમાંથી પાણીનો બેફામ બગાડ થયો હતો. મોરબીના સરદાર બાગમાં પાણીનો સંપ આવેલો છે. આ સંપની પાણીની લાઈનમાં કોઈ કારણોસર ભંગાણ પડતા પાણીનો ધોધ વછૂટયો છે. જેથી, આ વિસ્તાર વગર વરસાદે જળબંબાકાર બની ગયો હતો. પાણીની લાઈનમાંથી સતત પાણીના મસમોટા ફુવારા ઉડી રહ્યા છે. તેથી, પાણીને બેફામ બગાડ થયો હતો. જો કે આ લાઈન રાત્રે જ રીપેર કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અન્ય જગ્યાએ પણ આ રીતે પાણીની લાઈનમાં ભંગાણ પડતા પાણીના ફુવારા ઉડ્યા હતા. અને પાલિકાએ ટેસ્ટિંગ માટે પાણી છોડ્યું હોવાનો બચાવ કર્યો હતો. ત્યારે હવે વધુ એક વિસ્તારમાં પાણીની લાઈનમાંથી પાણીનો ધોધ વછૂટ્યો હતો. જેથી, તંત્રના જળ બચાવો અભિયાન સામે સવાલો ઉઠ્યા છે.