નિરાકરણ નહીં આવે તો રસ્તા પર ઉતરવાની ચીમકી મોરબી : નેશનલ હાઈવે ઓથોરિટીના કારણે દર વર્ષની માફક આ વર્ષે પણ બંધુનગર ગામની બંને બાજુ પાણી ભરાઈ ગયા હોવાનું ગ્રામજનોએ જણાવી આ પ્રશ્નનો કાયમી ઉકેલ ન આવેતો રસ્તા ઉપર ઉતરવાની ચીમકી આપી છે. મોરબીના બંધુનગરના ગ્રામજનો છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ હાઈવે ઓથોરિટીને આ અંગે પાણી ભરાવા પ્રશ્ને રજૂઆત કરે છે પરંતુ તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો નથી. ત્યારે બંધુનગર ગ્રામ પંચાયતની સામે તથા એક્સેલ સીરામીકની સામે ગોકુલનગર પાસે ગ્રામજનોને આવન જાવનનો મુખ્ય રસ્તો હોય અહીં છેલ્લા ત્રણ વર્ષથી પાણી ભરાઈ રહેતા દર વર્ષે ગ્રામજનો વૈકલ્પિક ધોરણે ડિવાઈડર તોડી અને કામ ચલાઉ રોડ ચાલુ કરે છે. જો કે આ વર્ષે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ગામની સામે લોખંડની ગ્રીલ ફીટ કરી દીધી છે તેથી ગ્રામજનોને વાહન ચલાવવામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા અંગે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનો અંત આવ્યો નથી. ત્યારે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર બની રસ્તા પર ઉતરવું પડશે.