ધર્મનગર સોસાયટીના પાણી પ્રશ્ને ટીડીઓને આવેદન વાંકાનેર : વાંકાનેરમાં ધર્મનગર સોસાયટીમાં ભર ચોમાસે પાણીની વિકટ સ્થિતિ સર્જાઈ છે. અહીં દર પંદર દિવસે માત્ર વીસ જ મિનિટ પાણી વિતરણ થતા પ્રજાજનો પરેશાન થયા છે અને છેલ્લા છ મહિનાથી પાણીના ધાંધિયા સર્જાતા વાંકાનેર ટીડીઓને સોસાયટીના રહેવાસીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાંકાનેરના પંચાસર રોડ પાસે આવેલ ધર્મનગર સોસાયટીમાં છેલ્લા છ માસથી પાણી વિતરણ વ્યવસ્થા ખાડે ગઈ છે. પંદર-પંદર દિવસે માત્ર એક જ વખત 20 મિનિટ પાણી આપવામાં આવતું હોવાથી અહીં વસવાટ કરતા લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. આ વિસ્તારના રહેવાસી બહેનોએ ધર્મનગર ગ્રામ પંચાયતના સરપંચને અનેક વખત રજુઆત કરતા સરપંચ કહે છે કે, પાણી ઉપરથી ચોવીસ કલાક આવશે તો પાણી આપીશ. પાણીના ગંભીર પ્રશ્ને પાણી પુરવઠા ખાતાના અધિકારીનો સંપર્ક કરતા તેઓ અહીંથી દરરોજ છ કલાક પાણી આપવામાં આવતું હોવાનું કહે છે. આ પ્રશ્ન ગ્રામ પંચાયતનો હોય જેથી આ અંગે ધર્મનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા ધર્મનગર ગ્રામ પંચાયતના સભ્ય કિરણબેન પંડ્યા, અનિલભાઈ બારોટ, જયશ્રીબેન સેટાલિયા તેમજ આ વિસ્તારના સક્રિય કાયર્કરોએ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન બોરીચાને રૂબરૂ મળી મૌખિક રજુઆત કરી વહેલી તકે પાણી પ્રશ્ન ઉકેલવા આવેદનપત્ર પાઠવી માંગ ઉઠાવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..