મહિલાઓ રણચંડી બની પાલિકાએ દોડી ગઈ : માટલા ફોડવાની ચીમકી હળવદ : હળવદ શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની હૈયા હોળી શરૂ થઈ છે. સરા રોડ ઉપર આવેલા વોર્ડ-5 ના હરિનગર ગોલ્ડ સહિતની સોસાયટીઓમાં ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે દેકારો બોલી જતા આજે આ વિસ્તારના મહિલાઓ અને પુરૂષો હળવદ પાલિકાએ રજુઆત કરવા ગયા હતા. પરંતુ તેમની રજૂઆત સાંભળનાર કોઈ હાજર ન હોવાથી ડેલી એ હાથ દઈ પાછા વળ્યા જેવો ઘાટ જોવા મળ્યો હતો.જો કે આગામી દિવસોમાં પાણી નહીં મળે તો પાલિકામાં માટલા ફોડવાની મહિલાઓએ ચીમકી આપી હતી. હળવદ શહેરના લોકોને પ્રાથમિક સુવીધાઓ આપવામાં પાલિકા તંત્ર ક્યાક ટુંકુ પડી રહ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે રોડ-પાણી અને લાઈટના પ્રશ્નો શહેરીજનો માટે રોજના બની ગયા છે. તો બીજી તરફ શહેરના સરા રોડ પરની હરિનગર ગોલ્ડ સહિતની સોસાયટીઓમાં પાછલા થોડા દિવસથી પીવા માટેનું પાણી નહીં આવતા આ વિસ્તારના લોકો આજે પાલિકા કચેરીએ રજુઆત કરવા માટે દોડી ગયા હતા. જો કે લોકોની રજૂઆત સાંભળનાર કોઈ ન મળતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વધુમાં મહિલાઓ અને પુરૂષો દ્વારા પાલિકા કચેરીમાં સુત્રોચાર કરી વહેલી તકે પાણી આપવાની માંગ કરી હતી સાથે જ હાજર રહેલી મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે, જો બે દિવસમાં પાણી આપવામાં નહીં આવે તો પાલિકા કચેરીમાં માટલા ફોડ કાર્યક્રમ કરવામાં આવશે. આશ્ચર્ય તો એ વાતનું છે કે, હળવદ પાલિકામાં હાલ ભાજપ સત્તા પર છે ત્યારે વોર્ડ નં-5ના ભાજપના જ સભ્ય દ્વારા પોતાના વિસ્તારની સમસ્યા ચીફ ઓફીસ કે પ્રમુખ જાણી જોઈને નજર અંદાજ કરતાં હોવાનો ધગધગતો આક્ષેપ કર્યો છે વધુમાં એ પણ જણાવ્યું છે કે હજુ તો નર્મદા કેનાલ ચાલુ છે છતાં પણ જો પાણીની આવી સમસ્યા સર્જાતી હોય તો કેનાલ બંધ થશે તો શું થશે ?