પાણી ભરાવાના કારણે રોડ પર ખાડા પડી જતા વાહનચાલકોને મુશ્કેલીમોરબી : મોરબીના એલઈ કોલેજ રોડ પર આવેલા એલઈ ગ્રાઉન્ડ પાસે છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન લિકેજ હાલતમાં છે. પાણીની લાઈન લિકેજ હોવાના કારણે આ સ્થળ પર પાણી ભરાય રહે છે. જેના કારણે ખાડા પણ પડી ગયા છે. ખાડામાં પાણી ભરાય રહેવાના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે વોકિંગમાં આવતા લોકો અને વૃદ્ધોને પણ તકલીફ પડી રહી છે. અડધા રસ્તામાં પાણી ભરાયેલું રહેતું હોવાથી એક તરફથી જ વાહનો પસાર થઈ શકે છે. જેથી ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી રહી છે.આ પાણી જ્યાં ભરાય છે ત્યાં નજીક જ જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખનું નિવાસ સ્થાન આવેલું છે. ત્યાંથી પણ પાણી બહાર નીકળી રહ્યું છે. આમ છેલ્લા ઘણા સમયથી પાણીનો બગાડ થઈ રહ્યો છે. પરંતુ આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણીની આ લાઈન ઘણી જુની છે. તેથી જો પાણીની લાઈન યોગ્ય રીતે રિપેર કરવામાં આવે તો પાણીનો બગાડ અટકાવી શકાય છે અને વાહનચાલકોની મુશ્કેલી પણ દુર કરી શકાય છે.