વીસીપરા મેઈન રોડ, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં ગંદા અને પ્રદુષિત પાણી વિતરણથી દેકારો મોરબીઃ મોરબી શહેરના વિસીપરા મેઈન રોડ, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોમાં પાલિકાએ ડિટર્જન્ટ યુક્ત ગંદુ દુર્ગંધ મારતું પાણી વિતરણ કરતા લોકોમાં દેકારો બોલી ગયો છે. આ મામલે સ્થાનિક રહીશોએ પાલિકા સમક્ષ રોષ ઠાલવ્યો છે અને પિવાનું ચોખ્ખુ પાણી આપવા માટે માંગ ઉઠાવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર શહેરના વીસીપરા મેઈન રોડ, રોહિદાસપરા અને વિજયનગર સહિતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા દસેક દિવસથી વાપરવા માટેનું અને પીવા માટેનું પાણી ફીણવાળું એટલે કે દુષિત આવી રહ્યું છે. આ વિસ્તારમાં મોટેભાગે શ્રમજીવી અને ગરીબ પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે તેઓને બહારથી પાણી લાવવું પણ પોસાતું નથી અને નળ મારફતે આવી રહેલું પાણી ફીણવાળું આવી રહ્યું છે. જે વાપરવા યોગ્ય અને પીવા યોગ્ય નથી. વધુમાં અહીં પાઈપલાઈન ખોદાણ બાદ આ પ્રકારે દુષિત પાણી આવી રહ્યું છે. આ અંગે પાલિકાને રજૂઆત કરી તેમ છતાં દસેક દિવસથી કોઈ ઉકેલ આવ્યો નથી. આ પ્રદુષિત પાણીના કારણે આ વિસ્તારમાં બીમારી ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિકોમાં રોષ સાથે ડર જોવા મળી રહ્યો છે.