સીરામીક કોન્ટ્રાકટરની કારને નિશાન બનાવી ધોકા ફટકારી કાચ ફોડી નાખ્યો : અન્ય ટ્રક ચાલકો આવી જતા બન્ને બુકનીધારીઓએ મુઠીઓ વાળી મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર ગતરાત્રે લૂંટના ઇરાદે બે બુકાનીધારીઓએ સીરામીક કોન્ટ્રાકટરની કાર ઉભી રાખવા માટે કારમાં ધોકો માર્યો હતો.આ ઘટનાને પગલે અન્ય ટ્રક ચાલકો પણ ત્યાં આવી ગયા હતા. આથી બન્ને બુકાનીધારીઓ બાઈકમાં નાસી છૂટ્યા હતા. આ ઘટનામાં સીરામીક કોન્ટ્રાકટર અને તેમના મિત્ર લૂંટાતા બચી ગયા હતા. આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર શેરી નંબર-4માં રહેતા અને સીરામીક ફેકટરીમાં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા ચંદ્રેશભાઈ વિજયભાઈ પીઠડીયા અને તેમના મિત્ર આર્યન સોલંકી ગતરાત્રે સીરામીક કારખાને કામ પતાવીને પોતાની જી.જે.36 એલ 8025 નંબરની કારમાં ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે પીપળી ગામ પાસે રોડ ઉપર ડબલસવાર બાઈકમાં ઘસી આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આ સીરામીક કોન્ટ્રાકટરની કારને નિશાન બનાવી હતી.જેમાં ચાલુ કારમાં ડબલ સવાર બાઇકમાં આવેલા બે શખ્સોમાંથી બાઇકની પાછળ બેઠેલા એકે ધોકો માર્યો હતો. ચાલુ કારમાં આ રીતે હુમલો થતા બન્ને મિત્રો ભયભીત બની ગયા હતા.જો કે કાર ઉભી રાખવા માટે આ રીતે કારમાં ધોકો માર્યા બાદ બન્ને બુકાનીધારીઓ લૂંટ કરવા માટે પોતાનું બાઈક પાછું લઈને કાર પાસે આવ્યા હતા એટલી વારમાં રોડ ઉપર નીકળતા અન્ય ટ્રક ચાલકો સહિતના લોકો ત્યાં આવી ગયા હતા આથી લોકોને જોઈને બન્ને શખ્સો બાઇકમાં જ પલાયન થઈ ગયા હતા.જેથી બન્ને મિત્રો લૂંટાતા સહેજમાં બચી ગયા હતા. બાદમાં આ બનાવની પોલીસને જાણ કરી હતી. જો કે હાઇવે ઉપર આવી રીતે લૂંટના અનેક બનાવો બનતા હોય વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..