મોરબી નગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે યોજાયેલી મીટીંગમાં લેવાયેલો નિર્ણય મોરબી : મોરબીમાં આમ તો કોરોના વેકસીનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પરંતુ આગામી ગાંધી જયંતિ એટલે 2 ઓક્ટોબર પહેલા મોરબી શહેરમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક સિદ્ધ કરવા તંત્રએ કમર કસી છે. આ માટે આજે નગરપાલિકા ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં શહેરમાં વોર્ડ વાઇઝ અને રાત્રી રસીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી 2 ઓક્ટોબર પહેલા મોરબી શહેરમાં વેકશીનની કામગીરી તમામ વોર્ડમા 100% પુર્ણ થાય તે માટે આજે મોરબી નગરપાલિકા કચેરી ખાતે એક અગત્યની મીટીંગ યોજાઈ હતી. જેમાં સીટી મામલતદાર જી.એચ. રૂપાપરા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, તાલુકા હેલ્થ ઓફિસર કોટડીયા સહિતના શહેરના આરોગ્યના અધિકારીઓ અને નગરપાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 100 ટકા વેક્સનેશનનો લક્ષ્યાંક પાર પાડવા વોર્ડના કાઉન્સિલરનો સાથ લઈ રસીકરણ કરવા અંગે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ તમામ વોર્ડ વાઇઝ વેક્સીનેશન અંગેના કેમ્પ કરવા અને તે મુજબના પુરતા પ્રયત્નો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના ઘણા વિસ્તારોમાં શ્રમજીવી હોય લોકો દિવસ દરમિયાન મજૂરી કામને કારણે ઘરે હાજર ન હોવાથી આ શ્રમજીવી લોકોને પણ રસીકરણમાં આવરી લઈ તેમના માટે રાત્રી રસીકરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હાલ તો તંત્ર ગાંધી જયંતિ પહેલા શહેરમાં 100 ટકા રસીકરણની કામગીરીમાં વળગી ગયું છે ત્યારે ખરેખર તંત્ર ગાંધી જયંતિ પહેલા આ રસીકરણનો લક્ષ્યાંક પૂરો કરી શકશે કે કેમ તે જોવાનું રહ્યું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..