મોરબી મહાનગરપાલિકા માટે 1371 કર્મચારીઓના મહેકમ માટે દરખાસ્ત19 ક્લાસ વન, 155 ક્લાસ-2 અને 1006 ક્લાસ -3ની જગ્યા ભરવી પડશે : વર્ગ-4માં આઉટસોર્સથી ભરતી મોરબી : મોરબી મહાનગરપાલિકાને સંપૂર્ણ રીતે કાર્યરત કરવા માટે મુખ્ય કચેરી, બે ઝોનલ કચેરી અને તમામ વોર્ડમાં વોર્ડ ઓફિસ સહિતની જગ્યાઓ માટે કુલ 1371 કર્મચારીઓની ભરતી કરવી આવશ્યક હોવાનું ગણી મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગુજરાત સરકારને વર્ગ-1, 2,3, અને 4ની ભરતી માટે વિધિવત મહેકમ ભરતીની દરખાસ્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ હવે ફૂલ ફ્લેજમાં કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવી આવશ્યક હોય મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા ગુજરાત સરકારને મહેકમ માટેની સત્તાવાર દરખાસ્ત કરવામાં આવી છે. મહેકમ દરખાસ્તમાં જણાવ્યા મુજબ મોરબી મહાનગર પાલિકાની મુખ્ય કચેરી અને બે ઝોનલ કચેરી ઉપરાંત તમામ વોર્ડમાં વોર્ડ ઓફિસનું સેટઅપ ગોઠવવા માટે કુલ 1371 કર્મચારીઓની ભરતી કરવા માટે જણાવવામાં આવ્યું છે.વધુમાં મ્યુનિસપિલ કમિશનર દ્વારા કરવામાં આવેલી મહેકમ દરખાસ્તમાં 19 ક્લાસ વન, 155 ક્લાસ-2 અને 1006 ક્લાસ -3ની જગ્યા ભરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી મહાનગર પાલિકામાં ક્લાસ-4માં આઉટસોર્સથી ભરતી કરવા માટે 191 જગ્યાઓ ભરવા તેમજ જરૂરત મુજબ વર્ગ-4ની જગ્યાઓ ભરવા જણાવવામાં આવ્યું છે. આમ હવે મ્યુનિસપિલ કમિશનરની મહેકમ દરખાસ્ત બાદ ગુજરાત સરકારની લાલ\લીલીઝંડી મળ્યેથી મોરબી મહાનગર પાલિકાની ગાડી ટોપ ગિયરમાં દોડતી થવાની શક્યતા જોવાઈ રહી છે.