રહીશોએ ચીફ ઓફિસરને રજુઆત કરી ખરાબ રોડથી મુક્તિ આપવાની માંગ કરી મોરબી : મોરબીના વોર્ડ નંબર 11માં આવેલી સોસાયટીઓના માર્ગો લાંબા સમયથી ખખડધજ હાલતમાં હોવાથી સોસાયટીઓના રહીશોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. આથી, સ્થાનિક રહોશોએ ચીફ ઓફિસરને રજુઆત કરી ખરાબ રોડથી મુક્તિ આપવાની માંગ કરી છે. મોરબી પાલિકાના વોર્ડ નંબર 11માં આવેલી આનંદનગર, ગુલાબનગર, શ્રીજી પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકાના ચીફ ઓફિસર તથા ધારાસભ્ય બ્રિજેશ મેરજાને લેખિતમાં રજુઆત કરી હતી કે આ આનંદનગર, ગુલાબનગર, શ્રીજી પાર્ક સોસાયટી છેલ્લા 30 વર્ષથી કાર્યરત છે અને આ સોસાયટીઓમાં 400થી વધુ પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનું નામોનિશાન જ નથી. ખાસ કરીને નવા રોડ બનાવવામાં આવ્યા નથી. આ સોસાયટીઓમાં રોડ-રસ્તા ઉબડખાબડ છે. રસ્તાઓ ખરાબ હોવાથી સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે. તેમાંય ચોમાસામાં રોડની હાલત એક્દમ ખરાબ થઈ જાય છે. આથી, સ્થાનિક લોકોની આ મુશ્કેલી દૂર કરવા આ સોસાયટીઓમાં વહેલી તકે સીસી રોડ બનાવવાની માંગ કરી છે.