મનપાના કમિશનર, કલેક્ટર તેમજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સમક્ષ સામાજિક કાર્યકરો દ્વારા લેખિતમાં રજૂઆતમોરબી : મોરબી મહાનગરપાલિકામાં હાલ રીનોવેશન ચાલી રહ્યું છે. ત્યારે આ સાથે જ બાળકો માટે હિંચકા, લપસીયા, બેસવા માટે બાંકડા તથા મયુર પુલ પર પણ બાંકડા નાખવા અંગે મોરબીના જાગૃત સામાજિક કાર્યકર રાજુભાઈ વી. દવે, જગદીશભાઈ બાંભણીયા અને રાણેવાડિયા દેવેશભાઈ મેરુભાઈ દ્વારા મોરબી કમિશનર, કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી મહાનગરપાલિકા બની પછી અહીં ફરવા જેવા સ્થળો હોવા જોઈએ. જેમાં હાલ શનાળા રોડ પર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખૂબ સારી વાત છે. પણ મહાનગરપાલિકાના અધિકારી અને કમિશનરને જાણ નથી કે મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે. જેમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા સુરાજબાગ, રાણીબાગ, મણીમંદીર અને સામાકાંઠે આવેલા વિસ્તારમાં કેસરબાગ માટે ગ્રાન્ટ દેવા માટે સરકાર પાસે પૈસા નથી કે તંત્રને આ બાગ - બગીચા ધ્યાનમાં નથી ? ત્યારે આ બાગ-બગીચા માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવી આ બાગ બગીચાનો વિકાસ કરી ત્યાં બાળકો માટે લપસીયા, હિંચકા અને બાંકડા મુકવામાં આવે તેમજ રાજાશાહી વખતનું જે પીકનીક સેન્ટર છે તે હાલ ખંઢેર હાલતમાં છે તેનો વિકાસ કરવા તેમજ સામાકાંઠામાં લોકોને ફરવાનું સ્થળ મળે તેમજ બાળકો માટે રમત ગમતના સાધનો ફરી વિકસાવવા મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા માગ કરવામાં આવી છે.