કારખાનામાં જ કોલસાના ઢગલા ઉપર સૂતો હતો ત્યારે મશીનરી વડે માથે કોલસો પડ્યો, બાદમાં મૃતદેહ પણ કોલસાના ટ્રકમાં બીજે ચાલ્યો ગયો વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા નજીક ફેક્ટરીમાંથી ત્રણ દિવસ ગુમ થયેલા 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનામાં બાળક કારખાનામાં કોલસાના ઢગલા ઉપર સૂતો હતો. ત્યારે માથે કોલસો પડવાથી તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે. મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક ફેકટરીમાંથી રિતિક ઉર્ફે નૈતિક પવનભાઈ સિંગવાલ નામનો 5 વર્ષનો બાળક ત્રણ દિવસ પહેલા લાપતા બન્યો હતો. આ બાળક ગુમ થયા અંગે તેમના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે વાંકાનેર સીપીઆઈબી ટીમે તપાસ ચલાવી હતી. જે અંગે પોલીસે ગુમસુદા બાળક અંગે જાહેરાત પણ પ્રસિદ્ધ કરાવી હતી. બાદમાં આજે જ આ બાળકનો મૃતદેહ ટીંબડી નજીક આવેલા કોલસાના ઢગલામાંથી મળ્યો છે. આ ઘટના અંગે પોલીસ તરફથી વિગતો જાહેર કરાઈ છે. જેમાં જણાવાયું છે કે તપાસ દરમ્યાન સીસીટીવી કુટેજનુ ઝીણવટ પુર્વક અવલોકન કરતા ગુમ થયેલ બાળક બપોરના લગભગ 2 વાગ્યાના અરસામા પોતાની મેળે કોલસાના ઢગલા પર સુઇ ગયેલ. ત્યારે કલાક 2:10 વાગ્યે કોલસાનો પ્લાન્ટ શરૂ થતા કન્વેયર બેલ્ટ મારફતે કોલસો સુતેલા બાળક પર પડતા બાળક કોલસાના ઢગલામા દબાય ગયેલાનુ અને ટ્રક મારફતે કોલસાની સાથે જતુ રહેલાનુ સીસીટીવીના કુટેજ પરથી સ્પષ્ટ જણાય આવેલ છે. જેથી શ્યામ કોલ કારખાનામાંથી ટ્રકની ડીટેઇલ મેળવી જે જગ્યાએ કોલસા મોકલેલ તેની વિગત મેળવતા ટ્રક એફીલ વિટ્રીફાઇડમા ગયેલાનુ જાણવા મળતા તાત્કાલીક ટીમ મોકલી તપાસ કરાવતા ગુમ થયેલ બાળકનો મૃતદેહ કોલસાના થાળામાંથી મળી આવ્યો હતો.