વાંકાનેર: વાંકાનેર ખાતે કાર્યરત મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી સંવેદનશીલ અને સમજદારીભરી કાઉન્સેલિંગ પ્રક્રિયાના પરિણામે એક દંપતિનું 12 વર્ષ જૂનું લગ્નજીવન તૂટતાં બચી ગયું છે.પ્રાપ્ત માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે સતત મતભેદ, શંકા અને ગેરસમજના કારણે ઘરેલુ કલેશ વધ્યો હતો, જેના કારણે બંને અલગ થવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અંગે મહિલાએ વાંકાનેર મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી કરી હતી.અરજી મળતાં જ મહિલા સહાયતા કેન્દ્રના પ્રશિક્ષિત મહિલા કાઉન્સેલર તેજલબા ગઢવી અને વનિતાબેન સોલંકી દ્વારા બંને પક્ષોને અલગ-અલગ તેમજ સંયુક્ત રીતે કાઉન્સેલિંગ આપી, પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન પરસ્પર સંવાદ, વિશ્વાસ, સહનશીલતા અને પરિવારના મહત્વ અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. મહિલા સહાયતા કેન્દ્રના સતત માર્ગદર્શન અને સમજદારીભરી મધ્યસ્થતાના પરિણામે બંને પતિ-પત્નીએ પોતાની ભૂલો સ્વીકારી, પરસ્પર સમજ વધારી અને ફરીથી સાથે રહી પરિવારને એકતામાં જાળવવાનો નિર્ણય કર્યો.આ સફળ હસ્તક્ષેપ બદલ દંપતિએ મહિલા સહાયતા કેન્દ્ર વાંકાનેરના કાઉન્સેલર તેજલબા ગઢવી અને વનિતાબેન સોલંકી તેમજ સમગ્ર ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે સંકટની પરિસ્થિતિમાં સમયસર સહાય અને માર્ગદર્શન આપતી મહિલા સહાયતા કેન્દ્ર જેવી સેવાઓ સમાજ માટે અત્યંત ઉપયોગી અને આવશ્યક હોવાનું જણાવી, અન્ય દંપતિઓને પણ સમયસર સંપર્ક કરવા અપીલ કરી હતી.