વિજબીલના નાણાં વસૂલી કચેરીના હિસાબમાં જમા ન કરાવતા નાયબ ઇજનેરે નોંધાવી પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેર પીજીવીસીએલ કચેરીના ત્રણ કર્મચારીઓએ ત્રીસ હજાર રૂપિયાની રકમમાં કૌભાંડ આચરી નાણાં હડપ કરી જતા આ મામલે વાંકાનેર ગ્રામ્ય પીજીવીસીએલ કચેરીના નાયબ ઇજનેરે ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગ્રામ્ય પીજીવીસીએલના નાયબ ઈજનેર વાસુદેવભાઇ છગનભાઇ જેઠલોજા ઉ.વ ૩૫, રહે મોરબી બ્લોક નં ૧૦૨ રાજ પેલેસ બોનીપાર્ક રવાપર વાળાએ વાંકાનેર વીજ કચેરીમાં ફરજ બજાવતા આરોપી (૧) મુસ્તાકભાઇ અબુબકરભાઇ એમર રહે. વાંકાનેર આસીયાના સોસાયટી (૨) રાજેશભાઇ અરવિંદભાઇ પરમાર રહે વાંકાનેર પેડક સોસાયટી રાતીદેવડી રોડ અને (૩) મહોમદ અલ્લારખાભાઇ કુરેશી રહે વાંકાનેર લક્ષ્મીપરા મદ્રેસા વાળા વિરુદ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ આરોપી મુસ્તાક વાંકાનેર પી.જી.વી.સી. એલ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરી-૧ મા ઇલેકટ્રીકલ આસિસ્ટન્ટ તરિકે ફરજ બજાવતા હોય તેઓએ આ કામના સાહેદોને વીજ બિલ પેટે રશીદ આપી જુદીજુદી ચાર રશીદના રૂ ૩૦,૫૧૫/ વસુલ લઇ તે નાણા પોતાની કચેરીમા જમા નહિ કરાવી ઓળવી ગયો હતો અને આરોપી નં-૨ એટલે કે રાજેશ પરમાર વીજ કચેરીમા સીનીયર આસિસ્ટન્ટ તરિકે ફરજ બજાવતા હોય કે જેઓની ફરજ વીજ બિલના વસુલાત કરવામા આવેલ નાણા સદરહુ QMR બુક માંથી આપવામા આવેલ રશીદો સાથે સરખાવી તપાસી નાણા જમા લેવાની છે, પરંતુ તેઓએ તેમ નહિ કરી તથા આરોપી નં-૩ એટલે કે મહમદ કુરેશી નાયબ અધીક્ષક (હિસાબ) તરીકે ફરજ બજાવતા હોય રેવન્યુ વિભાગના વડા હોય સદરહુ QMR બુક તેઓની કસ્ટડીમા રહેતી હોય તે ગુમ કરી પુરાવાનો નાશ કરી એકબીજાને મદદગારી કરી સરકારી નાણાની ઉચાપત તથા છેતરપીંડી કરી ગુન્હો કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ ચકચારી ઘટનામાં પોલીસે ત્રણેય કૌભાંડિયા વિરુદ્ધ ગુન્હો નોંધી તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.