આજથી ગ્રામજનોને પાણી વિતરણ ચાલુ કરવામાં આવ્યું : મોરબી અપડેટમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યુ વાંકાનેર : વાંકાનેર શહેરી વિસ્તારમાં પાછલા ઘણા દિવસોથી અતિ દુર્ગંધયુક્ત અને ડહોળું પાણી વિતરણ થતુ હોવાના અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતાં વાંકાનેર નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. આ અહેવાલ બાદ મચ્છુ 1 ડેમ ખાતે ચીફ ઓફિસર સહિતના આગેવાનો ઘસી ગયા હતા અને સ્થળ નીરીક્ષણ કર્યું હતું. અહેવાલની સત્યતાની પુષ્ટિ થતા જ તાત્કાલિક ધોરણે ત્રણ દિવસ માટે વાંકાનેર શહેરમાં પાણી વિતરણ બંધ કરી મચ્છુ 1 ડેમ ખાતેનો સંપ, વાંકાનેરમાં આવેલ ફિલ્ટર સંપ તેમજ મનમંદિર સોસાયટી પાસે આવેલ સંપની સઘન સાફ સફાઇ હાથ ધરવામાં આવેલ. ત્રણ દિવસ સુધી મજુરો તેમજ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી પાણી સંગ્રહ કરવાના ટાંકા તેમજ સંપોની સંપૂર્ણ સફાઈ બાદ આજથી નગરજનો માટે પાણી વિતરણ ચાલુ કરવામાં આવેલ છે. આ ત્રણ દિવસની સફાઇ દરમિયાન ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, પ્રમુખ રમેશભાઇ વોરા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોમાણી તેમજ નગરપાલિકાના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.