પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે થોડા દિવસો પહેલા માનસિક બીમારીને કારણે ગુમ થયેલા યુવાનની રૂપાવટી-વસુધરા કોલગામ નાકા પાસે પાણીમાંથી તરતી લાશ મળી આવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભાનુભાઇ સાદુરભાઇ ગાંગડીયા (ઉ.વ.૩૯) નામના યુવાન માનસીક બીમારીને કારણે ચાર-પાંચ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા અને આ યુવાન ગુમ થયાની ગામના સરપંચ સુખાભાઇ નરશીભાઇ ગાગાણીએ પોલીસને જાણ કરી હતી. દરમિયાન ગઈકાલે તા.૧૮ ના રોજ લાપતા ભાનુભાઇ સાદુરભાઇ ગાંગડીયાની લાશ રૂપાવટી-વસુધરા કોલગામ નાકા પાસે પાણીમાથી મળી આવી હતી. બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, આ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. આથી, આ બનાવ અકસ્માતનો છે કે આપઘાતનો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.