વાંકાનેર : નવયુગ સ્કૂલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર મોરબી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર તાલુકાના સરતાનપર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક નીરલબેન નારણભાઈ સાણંદિયાને વાંકાનેર તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મળ્યો હતો.. જેઓ અગાઉ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ, બેસ્ટ એજ્યુકેશન એવોર્ડ, બેસ્ટ એક્ટિવિટી એવોર્ડ અને બેસ્ટ ભરતનાટ્યમમાં ખિતાબ મેળવી ચૂક્યા છે. શિક્ષક દિન નિમિત્તે આજરોજ તેમને સરકાર દ્વારા જે પુરસ્કાર રકમ પેટે મળેલ છે. તે રકમ તેમને શ્રી યદુનંદન ગૌ સેવા એન્ડ માનવસેવા ટ્રસ્ટ-મોરબી ખાતે દાનમાં આપીને ગૌ સેવા અને અન્નક્ષેત્ર માટેનું યોગદાન આપ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, નિરલબેન નારણભાઈ સાણંદિયા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સરતાનપર પ્રાથમિક શાળામાં પોતાની ફરજ બજાવે છે. નોકરીમાં 15 વર્ષમાં 15 વર્ષ પ્રજ્ઞા વર્ગ સંભાળેલ છે. બાળકો શિક્ષણમાં વધુ રસ કેળવે તે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે અને અવનવી પ્રવૃત્તિ સાથે વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રસ દાખવતા કરે છે. પ્રજ્ઞા વર્ગની ગોઠવણી જૂથ કાર્ય મુજબ વર્ગ કાર્ય વગેરે બાબતોમાં નિપુર્ણતા કેળવેલ છે. માળીયા તાલુકાના મોટાભાગના પ્રજ્ઞા તાલીમ વર્ગોમાં માસ્ટર ટ્રેનર તરીકે કાર્ય કરેલ છે. અનેક સહ અભ્યાસ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ અને સર્જનાત્મક વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.