સ્વચ્છ શહેર સર્વેક્ષણમાં વાંકાનેર શહેરની એન્ટ્રી : લોકોને જાગૃત કરાશે વાંકાનેર : સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ માં વાંકાનેર શહેર ભાગ લઈ રહ્યુ હોય રાજ્ય સરકારનો સ્વચ્છતા રથ વાંકાનેર આવી પહોંચ્યો છે અને લોકોમાં ભીનો સૂકો કચરો અલગ રાખવા જાગૃતિ લાવવાની સાથે વાંકાનેર પાલિકા દ્વારા કોઈપણ જગ્યાએ ગંદકી અંગેની ફરિયાદ મળે તો ૨૪ કલાકમાં જ ફરિયાદ દૂર કરવા ગેરંટી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત વાંકાનેર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૧૯ માટે જાગૃતિ રથનું વાંકાનેરની બજારોમાં ભ્રમણ કરવાનું શરૂ કર્યું છે, વાંકાનેર નેશનલ હાઇવે થી સ્વચ્છતા રથનું પ્રસ્થાન કરી લોકજાગૃતિ માટે પેમ્પલેટનું વિતરણ કરેલ તેમજ સ્વચ્છતા માટે સર્વેક્ષણ ફોર્મ ભરાવેલ ત્યારબાદ વાંકાનેરની બજાર અને શેરીઓમાં આ રથ ફેરવવામાં આવેલ તેમજ વાંકાનેર ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવી સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. વધુમાં વર્ષ ૨૦૧૯ માં વાંકાનેર શહેર સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ લઇ રહ્યું છે ત્યારે લોકોને જણાવેલ કે ભીનો અને સુકો કચરો અલગ રાખી નગરપાલિકાની ગાડી કચરો લેવા આવે ત્યારે ભીનો અને સુકો કચરો અલગ અલગ આપવો. વાંકાનેર ની જનતાને સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવેલ. સ્વચ્છતા અંગે વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા દ્વારા જણાવવામાં આવેલ કે અત્યારના ડિજિટલ યુગમાં વાંકાનેરની જનતાએ મોબાઇલમાં સ્વચ્છતા એપ ઇન્સ્ટોલ કરો અને વાંકાનેર શહેરમાં સ્વચ્છતા અંગે કોઈપણ જાતની ફરિયાદ હોય તો એપ દ્વારા આપની ફરિયાદ નોંધાવો આપની ફરિયાદનું ૨૪ કલાકમાં નિરાકરણ કરી આપવામાં આવશે. આ તકે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ વોરાએ જણાવેલ કે સ્વચ્છતા એ નગરપાલિકાની જવાબદારી તો છે જ સાથોસાથ લોકો નો પણ સાથ સહકાર મળતો રહે એ માટે આ જાગૃતિ રથ નું આયોજન કરવામાં આવેલ છે વાંકાનેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે જન-જનની ભાગીદારી થકી સ્વચ્છતા એ આપણા સૌની જવાબદારી છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, ઉપ-પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, સેનેટરી ઇન્સ્પેક્ટર દિપકસિંહ ઝાલા, જેમીનીબેન વ્યાસ, શ્રુતિબેન પટેલ, દિપાલીબેન ચાગલાણી તેમજ નગરપાલિકા સ્ટાફ દ્વારા ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ હતું.