આ વિદેશી દારૂની હેરાફરીમાં અન્ય બે શખ્સોને નામો ખુલ્યા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસને ગઈકાલે સાંજે મોટાપાયે વિદેશી દારૂના જથ્થાને ઝડપી લેવાની સફળતા મળી હતી. જેમાં વાંકાનેર પોલીસે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામની ખારીમાંથી તથા લિબાળાની ધાર પાસે આવેલ ગોડાઉનમાં દરોડો પાડી આ ગોડાઉનમાંથી રૂ. 5.13 લાખનો વિદેશી દારૂ સાથે રાજકોટના નામચીન બુટલેગરને ઝડપી લીધો હતો. આ વિદેશી દારૂની હેરાફરીમાં અન્ય બે શખ્સોને નામો ખુલ્યા છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.પી.જાડેજા તથા સ્ટાફના મનીષભાઈ બારૈયા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ વાસાણી, દર્શિતભાઈ વ્યાસ, અશ્વિનભાઈ રંગાણી સાહિતનાએ શુક્રવારે સાંજે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જોધપર ગામની ખારીમાંથી તથા લિબાળાની ધાર પાસે આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ સ્થળેથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારુનો બોટલો નંગ 2880 મળીને કિંમત રૂ. 5,13,600 સાથે રાજકોટનો કુખ્યાત બુટલેગર ફિરોજભાઈ હાસમભાઈ સંધીને ઝડપી લીધો હતો. આ દારૂની હેરાફરીમાં નિર્મળ ઉર્ફે લાલો હંસરાજભાઈ માણેક, ધવલ રસિકભાઈ સાવલિયાની સંડોવણી ખુલી હતી અને આ ત્રણેય શખ્સો આ ગોડાઉનના ઓઠા હેઠળ દારૂનો વેપલો કરતા હોવાનું પણ ખુલ્યું છે. જ્યારે ફિરોજ ઈંગ્લીશ દારૂનો વેપલો કરવામાં રાજકોટનો કુખ્યાત બુટલેગર અને મૂળ વાંકાનેરનો રહેવાસી છે. તેની સામે અગાઉ વાંકાનેર સીટી પોલીસ મથકે દારૂના ગુના નોંધાયેલા છે. આ મોટાગજાનો બુટલેગર હોય અને તેના ઉચ્ચ લેવલના સેટીંગના હોવાના કારણે કોઈ નાના પોલીસ સ્ટેશનો તેની સામે કાર્યવાહી કરતા અચકાતા હોવાની પણ ચર્ચા છે. ત્યારે વાંકાનેર તાલુકાના પીએસઆઇએ આ મોટાગજના બુટલેગરને ઝડપીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.