ડૉ. પાયલબેન ભટ્ટના પ્રયાસથી પ્રેરિત થઈ સરકારે 2.5 કરોડની 'વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના' લાગુ કરી: ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે શાળાની મુલાકાત લીધીવાંકાનેર (મોરબી અપડેટ ) : શિક્ષણ અને સંસ્કારની ભૂમિ ગુજરાતમાં જ્યારે એક શિક્ષકની દીર્ઘદ્રષ્ટિ સરકારી યોજનાનું રૂપ લે, ત્યારે તે પરિવર્તનનું મોટું નિમિત્ત બને છે. વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ડૉ. પાયલબેન ભટ્ટ દ્વારા આવું જ એક ભગીરથ અને વંદનીય કાર્ય કરવામાં આવ્યું છે. તેમણે શાળામાં એક વિશેષ 'સંસ્કૃત કક્ષ'નું નિર્માણ કરીને બાળકોમાં દેવભાષા સંસ્કૃત પ્રત્યે રુચિ અને પ્રેમ જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે. મહર્ષિ પાણિનીના સમૃદ્ધ વિચારો અને વ્યાકરણની પરંપરાને પુનઃ જીવંત કરવાનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.ડૉ. પાયલબેન ભટ્ટના આ નવીન ઉપક્રમની નોંધ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા લેવામાં આવી હતી. બોર્ડે આ સફળ પ્રયોગની પ્રશંસા કરીને ગુજરાત સરકારને તેની સત્તાવાર ભલામણ કરી હતી. જેના પરિણામે, ગુજરાત સરકારે આ ક્ષેત્રે ઐતિહાસિક નિર્ણય લેતાં સમગ્ર રાજ્યમાં પાઇલટ પ્રોજેક્ટ રૂપે 'વિનૂતન સંસ્કૃત કક્ષ યોજના' અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સંસ્કૃત બોર્ડને રૂપિયા 2.5 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.આજદિન સુધી 500 થી પણ વધુ શાળાઓ આ યોજનાનો લાભ લઈ ચૂકી છે. જે શાળાઓ પોતાની જગ્યામાં સંસ્કૃત કક્ષનું નિર્માણ કરવા ઈચ્છતી હોય, તેવી શાળાઓને સરકાર તરફથી રૂપિયા 50,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ યોજનાના કારણે રાતીદેવડી શાળાના બાળકો માત્ર સંસ્કૃત ભાષા સરળતાથી શીખતા થયા છે એટલું જ નહીં, પરંતુ ગ્રામજનોને પણ આ સાંસ્કૃતિક જાગૃતિનો પ્રત્યક્ષ લાભ મળ્યો છે.આજ રોજ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે રાતીદેવડળી પ્રાથમિક શાળાની ખાસ મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસ્કૃત કક્ષની સરાહના કરી હતી. આ મુલાકાત પ્રસંગે ગામના ઇન્ચાર્જ સરપંચ બળવંતભાઈ વોરા, મહાવીરસિંહ ઝાલા, ડૉ. પાયલબેન ભટ્ટ, ગીતાબેન વાઘેલા, પ્રતાપસિંહ ઝાલા તથા અશરફભાઈ માથકિયા સહિતના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાતીદેવળીથી શરૂ થયેલી આ જ્ઞાનગંગા સમગ્ર ગુજરાતની શાળાઓમાં સંસ્કૃત ભાષાના ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.#Wankaner #Ratidevadi #SanskritKaksh #GujaratEducation #MorbiUpdate #MorbiNews #SanskritLanguage