મારુતિ યજ્ઞ, મહાપ્રસાદ તથા સંતવાણીના ત્રિવિધ કાર્યક્રમો યોજાશે: ૨૫ હજારથી વધુ ભક્તો માટે શુદ્ધ ઘીના લાડુ સાથેના ભોજનની વ્યવસ્થાવાંકાનેર : શહેરમાં આવેલ જોગજતી હનુમાનજીની ગુફા રામ ટેકરી ધમલપર-૨ ખાતે ૧૦૦૮ ગુરુદેવ રણછોડદાસબાપુની ૪૦મી પુણ્યતિથિની દર વર્ષની માફક આગામી સંવત ૨૦૮૨ ફાગણ વદ ૧ (એકમ) ને તા. ૪-૩-૨૦૨૬, બુધવારના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શહેર, તાલુકા અને સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે.આ ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દર્શનાર્થે આવનાર ૨૫ હજારથી વધુ ભક્તો માટે ૩૦૦ કિલો શુદ્ધ ઘીમાંથી લાડુ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ બટેટા, દાળ-ભાત સહિતનો પુરવઠો એકત્ર કરાયો છે. તમામ દર્શનાર્થીઓને ભારતીય પરંપરા મુજબ પંગતમાં બેસાડીને સ્વયંસેવકો દ્વારા લાડુ, રોટલી, દાળ, ભાત અને શાકનો મહાપ્રસાદ પીરસવામાં આવશે. ભક્તો માટે પીવાના મિનરલ પાણીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અફરાતફરી વિના, સ્વયં શિસ્તના પાલન સાથે ભક્તોને ગરમાગરમ રસોઈ જમાડવામાં આવશે. આ વ્યવસ્થાને પહોંચી વળવા મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડે પગે સેવામાં લાગી ગયા છે.જોગજતી હનુમાનજી સમિતિ દ્વારા આયોજિત આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સવારે ૮ વાગ્યે વિષ્ણુ યજ્ઞ શરૂ થશે, જેમાં શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક આહુતિઓ અર્પણ કરશે. સાંજે ૪:૦૦ વાગ્યે યજ્ઞમાં બીડું હોમાશે અને પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ વાગ્યાથી મહાપ્રસાદની શરૂઆત થશે.પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્થાનિક સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર (નવાપરા) નું ભજનીક મંડળ, મગનભાઈ ઝીંઝવાડીયા, ઉસ્તાદ રાજુભાઈ ડાંગરીયા અને કિશોરભાઈ ડાંગરીયા ભજનો રજૂ કરશે. જ્યારે તા. ૪ ના રોજ રાત્રે ૧૦ વાગ્યાથી ભજનના આરાધક દલસુખ પ્રજાપતિ, કિશોર વાઘેલા અને ભાવેશ પટેલ સુરીલા સ્વરે સંતવાણીની જમાવટ કરશે. તેમની સાથે બેન્જો માસ્ટર પંકજ સોઢા અને તબલા વાદક એકકા ઉસ્તાદ તથા અબ્દુલ ઉસ્તાદ પોતાની કળા પીરસશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જોગજતી ગ્રુપના સેવકો દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યા છે.#Wankaner #RanchhoddasBapu #JogjatiHanumanji #MorbiUpdate #Mahaprasad #Santwani #Gujarati news