આ સ્થળોએ પેવર બ્લોક નાખી માથે બાંકડા પણ મુકાયા, સીસીટીવી કેમેરા પણ નખાયા : કચરો ફેકનારને રૂ.5000નો દંડવાંકાનેર : વાંકાનેરમાં જ્યાં કચરો ફેકવામાં આવતો હતો તે 8 સ્થળોને નગરપાલિકા દ્વારા ચોખ્ખા ચણાક કરીને બેસવા લાયક સ્થળ બનાવી દેવામાં આવ્યા છે. વધુમાં હવે અહીં ગંદકી ન થાય તે માટે નગરપાલિકા દ્વારા કડક હાથે કામ પણ લેવામાં આવશે. આ અંગે ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે સરકારની સૂચના હતી કે ગાર્બેજ વર્નેરેબલ પોઇન્ટ એટલે જ્યાં અવારનવાર કચરો નાખવામાં આવે છે. એવા સ્થળોએ ચોખ્ખાઈ રહે તે માટે પગલાં લેવા. આ સૂચના અન્વયે વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં આવા 8 સ્થળો શોધી આ સ્થળોએથી ગંદકી દૂર કરવામાં આવી છે. ઉપરાંત અહીં પેવર બ્લોક નાખી દેવાયા છે. બેસવા માટે બાંકડા મૂકી દેવામાં આવ્યા છે. સાથે સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા છે. હવે જો કોઈ આ સ્થળે ગંદકી કરતા પકડાશે તો તેને રૂ.5 હજારનો દંડ પણ ફટકારવામાં આવશે. વધુમાં જો કોઈ બહારનો વ્યક્તિ અહીં આવીને કચરો નાખી જાય અને તે વિશે જે માહિતી આપશે તો તેનું નામ ગુપ્ત રાખીને રૂ.1100નું ઇનામ પણ આપવામાં આવશે.