વાંકાનેર:તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકશાન અંગે 67-વાંકાનેર વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતિલાલ સોમાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક રાહત પેકેજ આપવા માટે અપીલ કરી છે.ધારાસભ્ય સોમાણીએ પત્રમાં જણાવ્યું છે કે, તેમના મતવિસ્તારમાં આવતા વાંકાનેર અને રાજકોટ તાલુકાના ગામોના ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી અને વિવિધ બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને તેમને મોટી આર્થિક નુકશાની ભોગવવી પડી છે. ધારાસભ્યએ અપીલ કરી છે કે ખેડૂતો દ્વારા વાવેલા પાકના નુકશાનીનું તાત્કાલિક સર્વેક્ષણ (સર્વે) કરાવીને, સરકાર દ્વારા આર્થિક સહાયરૂપ થવા માટે યોગ્ય રાહત પેકેજ જાહેર કરવામાં આવે.