સરકારી જમીન મામલે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખી અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યાનું બહાર આવ્યું વકનેટ વાંકાનેર નેશનલ હાઈવે પર શ્રીનાથજી જીન ચંદ્રપુર પાસે ગત સાંજે લાલપર ગામના સરપંચ હકાભાઇ તેજાભાઈ ભરવાડ પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી માથામાં તેમજ હાથના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં વધુ સારવારની જરૂરિયાત હોય રાજકોટ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે, આ હુમલા પાછળનું કારણ જમીનનો મુદ્દો હોવાનું બહાર આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે સાંજે લાલપર ગામના સરપંચ ઉપર હુમલાખોર અજાણ્યા શખ્સોએ માથાના ભાગમાં પાછળથી ચાલુ મોટરસાયકલે માર મારતાં માથામાં ગંભીર ઇજાઓ પહોંચેલ છે તેમજ હાથના ભાગમાં ફેક્ચર છે હાલ હકાભાઇ રાજકોટ ખાતે આઇસીયુમાં સારવાર લઈ રહ્યા છે અને નિવેદન આપે તેવી સ્થિતિમાં ન હોવાથી હજુ સુધી કોઇ ફરિયાદ દાખલ થયેલ નથી પરંતુ તેમના પરિવારજનોના કહ્યા મુજબ આ હકાભાઇ અને લાલપુર ગ્રામ પંચાયતના અન્ય સભ્યએ લાલપર ગ્રામ પંચાયતની ખરાબાની જગ્યા બાબતે મામલતદારને ફરિયાદ કરેલ હોય ત્યાંરના સરપંચ સાજીદ બ્લોચ દ્વારા તે બાબતનો ખાર રાખી આ કાવતરું રચી હુમલો કરવામાં આવ્યો હોવાની શંકા જતાવી રહ્યા છે. જ્યારે આ બાબતે સજિદભાઈનો સંપર્ક કરી તેમને આ બનાવ બાબતે પૂછતાં તેઓ જણાવે છે કે લાલપરના ખરાબા પ્રશ્ને વાંકાનેર મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ અને તે કેસમાં જામીન મળ્યા બાદ હાલ તેઓ રાજસ્થાનના બાલોથરા અને બાડમેર ખાતે ગ્લેઝ ટાઇલ્સ નો શોરૂમ ખોલી ટાઇલ્સનો વેપાર કરી રહ્યા છે અને અંદાજે ૧૫ દિવસથી ત્યાં જ છે અને આ બાબતે મને કશું ખબર નથી કે હું આ હુમલા બાબતે કાંઈ જાણતો નથી. વધુમાં વાંકાનેર સીટી પોલીસે સમગ્ર બનાવની ગંભીરતા સમજી વાંકાનેર હાઇવે પરના સીસીટીવી ચેક કરી હુમલાના દ્રશ્યો મેળવવા તપાસ આરંભી છે, વધુ તો હકાભાઇ ભરવાડ ભાનમાં આવ્યા બાદ નિવેદન આપે ત્યારે આ મામલે પડદો ઉચકાશે અને પોલીસને તપાસ ની સાચી દિશા મળશે.