વાંકાનેર : કન્યાઓના સેલ્ફ ડિફેન્સ કૌશલ્ય વિકાસ માટે જુડો કરાટેની તાલીમ ખૂબ જરૂરી છે. જે અનુસંધાને યુવા અને સાંસ્કૃતિક વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા 'રમશે ગુજરાત,જીતશે ગુજરાત' અન્વયે સ્પોર્ટ્સ ઓથોરટી ઓફ ગુજરાત સંચાલિત ખેલમહાકુંભ 3.0 સંદર્ભે 'જુડો સ્પર્ધા'નું નાલંદા વિદ્યાલય મોરબી મુકામે જિલ્લા કક્ષાનું આયોજન થયું હતું. જેમાં માર્શલ આર્ટ્સ પ્રેમી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં વાંકાનેરની ઘીયાવડ પ્રાથમિક શાળા સીઆરસી જૂના કણકોટમાંથી અંડર 14 વજન જૂથ 23 કિલોથી 36 કિલો સુધીની વિવિધ કેટગરીમાં કુલ 7 કન્યાઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક કન્યાઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વનાણી રસીલા રાજુભાઈ (વજન જૂથ 23 kg), ચૌહાણ સેજલ સંજયભાઈ (27 થી 32 kg), માધાણી ધ્રુવી મનસુખભાઇ (32 થી 36 kg) વિજેતા થયા હતા. જ્યારે ચૌહાણ શીતલ સંજયભાઈ (23 kg સુધી), વનાણી રાધિકા સુરાભાઈ (23 થી 27 kg) બીજા ક્રમે વિજેતા થયા હતા. તમામ દીકરીઓએ પરિવાર, ઘીયાવડ પ્રાથમિક શાળા, ઘીયાવડ ગામ, સીઆરસી જૂના કણકોટ, વાંકાનેર તાલુકાનું નામ રોશન કર્યું છે. આ તમામ કન્યાઓ હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે અને મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તમામને જુડો ની તાલીમ શાળાના શિક્ષિકા નમ્રતાબા પરમાર એ આપી હતી તેમ આચાર્ય વિરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.