વાંકાનેર: વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરજાદાની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન અને તેમના દેવા (ધીરાણ) માફી અંગે તાત્કાલિક ન્યાય આપવાની માંગણી કરવામાં આવી છે.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, કઠોળ વર્ગના પાકો અને પશુઓના ઘાસચારા સહિતના ખરીફ પાકોને ભારે નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 7 સિઝનમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતોને રાહત પેકેજની માત્ર જાહેરાતો જ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં 30 થી 35 ટકા રકમ પણ ચૂકવવામાં આવતી નથી.વધુમાં જણાવ્યું છે કે, ખેડૂતો અત્યારે લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી, તેમજ શિયાળુ સિઝન માટે બિયારણ-ખાતર લેવાના પણ પૈસા નથી. ત્યારે પૂર્વ UPA સરકારે કરેલ દેવા માફીની જેમ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે. ગુજરાતમાં બંધ પડેલી પાકવીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે. તેમજ નુકસાનીના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે.તેમજ કમોસમી વરસાદથી ભેજવાળી થયેલી મગફળી માટે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરીને 300 મણ ભેજયુક્ત મગફળીની ખરીદી કરવામાં આવે. શિયાળુ પાકના સમયે રાસાયણિક ખાતરની અછત દૂર કરી ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.