વાંકાનેર : વાંકાનેરમાં ટીઆરબીના જવાન પર બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સમાપક્ષે ટીઆરબીના જવાને પણ માર માર્યાની વળતી ફરિયાદ નોંધાઇ છે.વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતાં અને વાંકાનેરમાં ટીઆરબી તરીકે ફરજ બજાવતાં ઈમ્તિયાઝભાઈ અબ્દુલભાઇ કડીવાર ઉપર તેના જ ગામના બે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેઓને ઇજાઓ થતાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં ઇજાગ્રસ્ત ઈમ્તિયાઝભાઈએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લીંબાળા ગામના કાનો છેલાભાઇ કાટોળીયા અને મનીષ ઉર્ફે મુન્નો છેલાભાઇ કાટોળીયા સામે ફરીયાદ નોંધાવી હતી.જ્યારે આ બનાવ સંદર્ભે સમાપક્ષે વળતી ફરિયાદ નોંધાવી છે.જેમાં સમાપક્ષના મનીષભાઇ છેલાભાઇ કાટોડીયા જાતે-ભરવાડ ઉવ.૧૯ ધંધો માલઢોરનો રહે લીંબાળા તા. વાંકાનેર વાળાએ ઇમ્તીયાઝભાઇ અબ્દુલભાઇ કડીવાર રહે લીંબાળા તા.વાંકાનેર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે,ફરિયાદી બે દિવસ પહેલા મોટર સાયકલ પર કડબનો ભારો લઇ લીંબાળા ધાર અવેડા પાસે થી પસાર થતા હતા. તે સમયે આરોપીના ભાઇ જુબેર મોટર સાયકલ લઇ પસાર થતા કડબનો ભારો અડી જતા આ બાબતે જુબેરે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુધ્ધ અરજી કરી હતી.તે રોષના કારણે ભેગા થતા ફરિયાદીએ આરોપીને શું કામ અરજી કરેલ તે બાબતે બોલા ચાલી થતા ફરીયાદીને ગાળો બોલી ઢીકા પાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.