લૂણસર ગામે જોખમી બનેલી 11 કેવીની લાઈનનું યોગ્ય રીપેરીંગ કરવાની પીજીવીસીએલને રજુઆત વાંકાનેર : વાંકાનેરના લૂંણસર ગામે 11 કેવીની હેવી વિજલાઈન જોખમી બની ગઈ હોય, તેમાં શોર્ટ સર્કિટથી વારંવાર પક્ષીઓના મોતની ઘટના સામે આવે છે. જોખમી બનેલી વિજલાઈનમાં આવી રીતે શોર્ટથી પક્ષીઓના મોત થતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે અને ગ્રામજનોએ પીજીવીસીએલ તંત્રને રજુઆત કરીને જોખમી બનેલી 11 કેવીની લાઈનનું યોગ્ય રિપેરીગ કરવાની માંગ ઉઠાવી છે. વાંકાનેર તાલુકાના લૂંણસર ગામે રહેતા અંબારામ મુરારજાએ પીજીવીસીએને રજુઆત કરી હતી કે, લૂંણસર ગામે વાડી વિસ્તારમાં આવેલ ગોળધાર ફીડરની હેવી 11 કેવીની વિજલાઈનના તાર ઢીલા હોવાથી પવનને કારણે પરસ્પર સ્પાર્ક થતા શોર્ટ સર્કિટ થાય છે. આ શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના પણ બને છે. તેમજ વીજલાઈનમાં બેસતા પક્ષીઓને શોર્ટ લાગતા પક્ષીઓના મોત થાય છે. તાજેતરમાં આ હેવી વિજલાઈનમાં શોર્ટ લાગવાથી મોર, કબૂતર જેવા પક્ષીઓના મોત નિપજ્યા હતા. તેથી, આ જોખમી બનેલી હેવી વીજલાઈન રીપેર કરવા માટે અગાઉ પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું. પણ તંત્રએ હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતા પક્ષીઓ માટે વીજલાઈન જોખમી હોવાથી ગ્રામજનોએ ફરી પીજીવીસીએને રજુઆત કરી તાકીદે આ અંગે ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી છે.