અકસ્માતે મોત થયા બાદ વળતર ચૂકવવામાં ડાંડાઇ કરતી વીમા કંપનીને રાજકોટની ગ્રાહક તકરાર કોર્ટની લપડાક મોરબી : વાંકાનેરના તીથવા ગામના ખેડૂતનું આકસ્મિક મોત નિપજ્યા બાદ વીમા કંપનીએ આ મોત અકસ્માતે થયેલ હોવાનું સાબિત ન થતું હોવાનું જણાવીને ક્લેઇમ નામંજૂર કર્યો હતો. જેથી વીમા કંપની વિરુદ્ધ ખેડૂતના વારસદારોએ રાજકોટ ગ્રાહક તકરાર ફોરમમા ફરિયાદ કરતા ફોરમે વીમા કંપનીને પોલિસી મુજબ રહ. 5 લાખનું વળતર 6 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ સાજીભાઈ હાજીભાઇ બાકરોલીયા પોતાની વાડીએ કુવો ગાળતા હોય અને ચરખી મારફતે ગાર બહાર કાઢવાનો હોય, ચરખીનું કેરીયુ તુટી જતાં કુવાની અંદર રહેલ સાવજીભાઈ ઉપર પડતા તેને ગંભીર ઇજાઓ થતાં તેનું મૃત્યુ નિપજેલ હતું. સાજીભાઈ હાજીભાઈ બાકરોલીયા ખેડુત ખાતેદાર હોય અને તેઓ તીથવા સેવા સહકારી મંડળીના સભાસદ સભ્ય હોય અને તે મંડળી પાસેથી ખેત ધિરાણ લીધેલ હતું. તીથવા સેવા સહકારી મંડળી ખેતધિરાણ લેતા દરેક સભ્યો માટે રોયલ સુંદરમ જનરલ ઈશ્યોરન્સ કં. પાસેથી રૂા.5,00,000/- નો ગ્રુપ વીમો ઉતરાવેલ હતો. વીમા કંપનીએ સાજીભાઈ હાજીભાઈ બાકરોલીયાના વારસદારોને વળતર ચુકવવાની જગ્યાએ ગુજરનારનું મૃત્યુ અકસ્માતે થયેલ હોય તેવું સાબિત થતું ન હોવાનું જણાવી ક્લેઇમ નામંજુર કરેલ હતો. કલેઈમ નામંજુર થતા ગુજરનારના વારસદારો રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ સામાવાળા વીમા કંપની તથા અન્ય વિરૂધ્ધ વળતર મેળવવા ફરિયાદ દાખલ કરેલ હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રાહક તકરાર ફોરમે સામાવાળા વીમા કંપનીને પોલીસી મુજબની ૨કમ રૂા.5,00,000 તથા દાખલ તારીખથી 6% વ્યાજ સાથે ફરિયાદ મંજુર કરેલ હતી. સાજીભાઈ હરજીભાઈ બાકરોલીયાના જાગૃત ખેડૂત વારસદારો દ્વારા રાજકોટની કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો અન્યથા વીમા કંપની ખેડૂતોને અવનવા નિયમો બતાવી અને કલેઈમની ૨કમ ચુકવવામાં ખૂબ વિલંબ કરે છે અથવા તો ચુકવતા જ નથી. સદરહુ કેસમાં અરજદારના એડવોકેટ કોર્ટમાં એવું સાબિત કરવામાં સફળ થયા હતા કે, વીમા કંપની દ્વારા ખોટું કારણ દર્શાવી કલેઇમનો દાવો નામંજુર કરવામાં આવેલ છે. જયારે કોર્ટે ફરીયાદીના એડવોકેટની ધારદાર દલીલ માન્ય રાખી વારસદારોને 30 દિવસમાં મુળ રકમ રૂ. 5,00,000 તથા ફરીયાદ દાખલ તારીખથી 6% વ્યાજ સહિતની ૨કમ ચુક્વવા હુકમ ફરમાવેલ હતો. સદરહુ કેસમાં ગુજરનારના વારસદાર અરજદારો વતી એડવોકેટ તરીકે રાજકોટના નામાંકીત ધારાશાસ્ત્રી બશીરભાઇ બાદી (એ. યુ. બાદી) રોકાયેલ હતાં.