ઓક્સિજનની કમીથી શ્વાસ લેવાની તકલીફ થતા 108ના સ્ટાફે તરુણને કુત્રિમ શ્વાસોશ્વાસ આપીને તાત્કાલિક રાજકોટ સારવાર અર્થે ખસેડયો વાંકાનેર : વાંકાનેરના તરુણને આજે તાવ અને તાણ સાથે જોરદાર આંચકી ઉપડતા તેને રાજકોટ સારવાર અર્થે ખસેડાયો છે. આ તરુણને ડેન્ગ્યુ હોવાની આશંકા ઉદભવી છે જોકે 108ના સ્ટાફે ભર ટ્રાફિક વચ્ચે તરુણને ઓક્સિજનની કમીના લીધે કુત્રિમ શ્વાસ આપી તેની જિંદગી બચાવી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા સત્યપાલસિંહ ગુણવંતસિંહ ઉ.વ.14 નામનો તરુણ આજે બપોરે જમતો હતો તે સમયે તેને અચાનક તાવ સાથે તાણ અને આંચકી ઉપડી હતી. આથી તરુણની તબિયત નાજુક બની જતાં તાત્કાલિક સારવાર માટે તેના પરિવારજનોએ વાંકાનેર 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં 108 ના પાયલોટ રામભાઈ કરમટા અને ઇ.એમ.ટી. દિનેશભાઇ ગઢાદરા તાકીદે પહોંચી ગયા હતા અને તરુણને 108 એમ્બ્યુલન્સમાં લઈને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ જવા રવાના થયા હતા. પણ તરુણની તબિયત નાજુક હોવાથી ઓક્સિજનની કમી ઉભી થઇ હતી આથી 108ના સ્ટાફે ભર ટ્રાફિકમાં તરુણને કુત્રિમ શ્વાસ આપીને તેની જિંદગી બચાવી લીધી હતી. બાદમાં હેમખેમ તરુણને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કર્યો હતો. જોકે આ તરુણને ડેન્ગ્યુ હોવાની આશંકા ઉદભવી છે હાલ આ તરુણ રાજકોટની અમૃતા પીડિયાટ્રિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.