ટંકારા: ટંકારા નગરપાલિકાની હદમાં લતીપર ચોકડી નજીક ન્યાય મંદિર સામે ચર્ચાસ્પદ બનેલી 'શ્રુતિ વન' અને 'શ્રુતિ સ્થંભ' વાળી જમીન પર શોપિંગ સેન્ટરનું બાંધકામ ફરી શરૂ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બપોરના સમયે અહીંની રોડ તરફની ગળદાની દીવાલ અચાનક ધડાકાભેર ધરાશાયી થતાં બે પરપ્રાંતીય મજૂરો તેના ઝપેટમાં આવી ગયા હતા, જેમાં એકનું મોત થયું છે અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારામાં જે જમીન પર બાંધકામ ચાલી રહ્યું છે, તે અગાઉ 'શ્રુતિ વન' અને 'શ્રુતિ સ્થંભ'ને લઈને ભારે વિવાદમાં સપડાઈ હતી, જેના કારણે લાંબા સમય સુધી કામગીરી બંધ રહી હતી. દિવાળીના તહેવાર પછી ફરી એકવાર કામગીરી શરૂ થતાં આજે આ દુર્ઘટના બની છે. દુર્ઘટનામાં દીવાલ નીચે દબાઈ જવાથી કમલેશ અમલિયાર નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે મધ્યપ્રદેશના રહેવાસી મુકેશ મઈડાને પગમાં ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.બનાવની જાણ થતાં બિલ્ડર લોબી તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ સાડા ત્રણ વાગ્યા સુધી ઘટનાસ્થળે કોઈ પણ જવાબદાર અધિકારીની હાજરી જોવા મળી ન હોવા અંગેની માહિતી સામે આવી છે.