વાંકાનેર : ગુજરાત સરકાર દ્વારા ચાલતી એસટી બસ ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે દૂર ગામડેથી તાલુકા મથકે અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓ માટે સવાર સાંજ વિદ્યાર્થીઓના આવવા અને પરત જવા માટે બસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દિવાળી વેકેશન બાદ વાંકાનેર સરધારકા રૂટની બસનો સમય અચાનક કોઈપણ કારણ વગર એક કલાક જેટલો મોડો કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. દિવાળી વેકેશન પહેલાં પલાસડી, ગાંગીયાવદર અને સરધારકા થી આવતા અંદાજિત ૬૦ વિદ્યાર્થીઓને પરત ગામે જવા માટે બસ 5:20 કલાકે જતી પરંતુ દિવાળીના વેકેશન બાદ અચાનક આ બસનો ટાઈમ એક કલાક લેઈટ એટલે કે 6:20 નો સમય કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં રોષ જોવાં મળી રહ્યો છે કારણ સ્કૂલેથી પાંચ વાગ્યે છૂટી સમયસર ઘરે પહોંચતાં વિદ્યાર્થીઓએ હવે સાંજે પાંચ વાગ્યે છૂટી એક કલાક એસટી ડેપો ખાતે તપસ્યા કર્યા બાદ ઘરે જવા મળે છે આ વિદ્યાર્થીઓએ સવારે છ વાગ્યાની બસમાં ઘરેથી નીકળી વાંકાનેર આવે છે અને આખો દિવસ અભ્યાસ કરી સાંજે પરત ઘરે જાય છે એક તો શિયાળાની શરૂઆત અને વિદ્યાર્થીના યોગ્ય સમયની બસને એક કલાક લેટ કરવામાં આવતા વિદ્યાર્થીઓને અભ્યાસ સેડયુલમાં ખલેલ પહોંચતી હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. જે અંગે ગામના સરપંચે લેખિત રજૂઆત વાંકાનેર ડેપો ખાતે કરવામાં આવી છે જે અંગે હજુ સુધી કોઇ નિર્ણય ન લેવાતાં વિદ્યાર્થીઓ જણાવે છે કે આ અંગે તાત્કાલિક બે દિવસમાં યોગ્ય નિર્ણય ન લેવામાં આવે તો નાછુટકે વાંકાનેર એસટી ડેપો ખાતે ઉપવાસ આંદોલન ચલાવવામાં આવશે.