શહેરના છેવાડાના વિસ્તાર શક્તિપરાની ઘટના ; લોકોમાં ભયનો માહોલ મોરબી : વાંકાનેર નજીક દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે વાંકાનેર શહેરના છેવાડાના શક્તિપરા વિસ્તારમાં રાત્રીના છ બકરાને રાની પશુએ ફાડી ખાતા સનસનાટી મચી ગઇ છે અને લોકોમા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના છેવાડાના વિસ્તાર એવા શક્તિપરામાં મધ્ય રાત્રીએ ચંદુભાઈ કવુંભાઈ મલના ફળિયામાં બાંધેલા છ બકરાને રાનીપશુએ ફાડી ખાઈ મારણ કરતા લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. વધુમાં ચંદુભાઈનો પરિવાર રાત્રીના બહાર ગયો હોય ફળિયામાં બાંધેલા સાત બકરા પૈકી છ બકરાનું રાની પશુએ મારણ કર્યું હતું અને એક બકરું ઇજાગ્રસ્ત હાલતમાં કણસતું મળી આવ્યું હતું અને સવારે જ્યારે પરિવાર ઘેર આવ્યો ત્યારે ઘટનાની જાણ થઈ હતી. બીજી તરફ વાંકાનેર નજીકના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના વાવડ વચ્ચે શહેરના છેવાડાના વિસ્તારમાં એક સાથે છ - છ બકરાને રાની પશુએ ફાડી ખાતા લોકોમાં ચિંતા સાથે ભયનું લખ - લખું પ્રસરી જવા પામ્યું છે.