અમરાપર અને વીશિપરાને પ્રાથમિક સુવિધાઓ નહિ મળે તો ૨૫મીથી ઉપવાસ આંદોલન : સ્થાનિકોની મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજુઆત વાંકાનેર : વાંકાનેરના અમરાપર અને વિશિપરા વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધાના અભાવે જીવન જીવવાની ફરજ પડી રહી છે. બંને વિસ્તરોમા કુલ ૧૫હજારની વસ્તી છે. આ પછાત વિસ્તારો પાલિકામાં આવતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેમની દરકાર લેવામાં આવતી ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે સ્થાનિકોએ મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલને રજુઆત કરી દિવસ ૧૫માં જો કોઈ કાર્યવાહી નહિ થાય તો આગામી તા. ૨૫થી માર્કેટ ચોકમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાંકાનેરના સામાજિક કાર્યકર એજાઝ સલીમભાઈ બ્લોચ સહિતના સ્થાનિકોએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રજુઆતમાં જણાવ્યું હતું કે વાંકાનેરના અમરાપર અને વીશિપરા વિસ્તાર આશરે પંદર હજારની વસ્તી ધરાવે છે. આ વિસ્તારો અતિ પછાત છે.વાંકાનેર નગરપાલિકામાં સમાવિષ્ટ હોવા છતાં આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડુ છે પ્રાથમિક સુવિધા ન આપી આ વિસ્તારો સાથે છેલ્લા પાંચ વર્ષથી સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે. વાંકાનેર નગરપાલિકા દ્વારા આ વિસ્તારોને પ્રાથમિક સુવિધા જેવી કે રોડ રસ્તા, લાઈટ, પાણીની સુવિધાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાં સફાઈ કરવામાં આવતી જ નથી. અહીં કચરાઓ અને ગંદકીના ઢગલાઓ વચ્ચે સ્થાનિકો જીવન ગુજારી રહ્યા છે. નેશનલ હાઈવે થી રેલ્વે સ્ટેશન જતો રોડ વાહનો કે લોકો માટે ચાલવા લાયક રહેલ નથી. રોડ ઉપર ગટરના ગંદા પાણી સતત વહી રહ્યા છે. ગટરોનીં સફાઈ કરવામાં આવતી જ નથી. આ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી સફાઈ કામદારો જ મુકવામાં આવ્યા નથી. રજુઆતમાં વધુમાં જણાવ્યું કે પ્રાથમિક સુવિધાઓ મુદે વાંકાનેર નગરપાલિકામાં અવાર નવાર રજૂઆત કરવા જતા મોટા ભાગે મુખ્ય અધિકારી હાજર જણાતા નથી. જેઓને મોરબી નગરપાલિકાનો ચાર્જ હોય મોટે ભાગે ત્યાંજ રહે છે. આમ જનતાની રજુઆત સાંભળનાર કોઈ નથી. નગરપાલિકાના વહીવટી તંત્રના હોદેદારોને જરૂર જણાય ત્યારે મુખ્ય અધિકારોને બોલાવી લેવામાં આવે છે. પરંતુ આમ પ્રજાના પ્રશ્ન સાંભળવા માટે કોઈપણવ્યક્તિ હાજર હોતી નથી. સરકારે અનુસુચિત જાતિની વસાહત માટે અનેક વખત લાખો કરોડો રૂપિયા ફાળવેલ છે ત્યારે આ ગંદા વિસ્તારના નાણાં અન્ય જગ્યાએ ઉપયોગ કરી અને આ વિસ્તારના લોકો સાથે સતત અન્યાય કરી અને નગરપાલિકાના વહીવટકર્તાઓ મનમાની કરી રહ્યા છે. આમ પ્રજાને આ વિસ્તારના લોકોને ગંદકીંમાં જીવવાની ફરજ પાડી રહ્યા છે. જેના કારણે અહીંના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. લોકોની પ્રાથમિક જરૂરિયાત જેવી કે રોડ રસ્તા, લાઈટ જે અહીંના વિસ્તારોને મળતી નથી. ત્યારે આ વિસ્તારને તાત્કાલિક અસરથી અગ્રતાક્રમે લઈ અને જીવન જીવવા લાયક બનાવવામાં આવે અને ઉભરાતી ગટરૉના ગંદા પાણી જે ખુલ્લા વિસ્તાર શેરીઓ, રોડ ઉપર વહી રહ્યા છે જેના કારણે રોગચાળો ફેલાવાની દહેશત છે. જેથી યોગ્ય સફાઈ કરાવવામાં આવે જે બાબતે સત્વરે કામગીરી કરી સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત મિશન સાર્થક કરવામાં આવે તેવી માંગ છે. અંતમાં જણાવ્યું કે આ વિસ્તારને દિવસ ૧૫ની અંદર પ્રાથમિક સુવિધા સફાઈ, રોડ રસ્તા અને લાઈટ, પાણી માટે દાદ નહિં આપવામાં આવે તૉ તારીખ: ૨૫/૦૭/૨૦૧૮ થી વાંકાનેર માર્કેટ ચોક માં ઉપવાસ આંદોલન ચલાવવાની ફરજ પડશે. જેની ગંભીર રીતે નોંઘ લઈ પછાત વિસ્તારને ન્યાય આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.