વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ગઈકાલે વાંકાનેર બાઉન્ડરી પાસે વાહન ચેકિંગ દરમ્યાન બાઇક પર ઈંગ્લીશ દારૂની ડિલિવરી કરવા નીકળેલા રાજકોટના બે શખ્સોને પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલા અને ડી.વાય.એસ.પી.બન્નો જોશીએ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ચેક પોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ કરવાની સૂચના આપી હતી.જેના અનુસંધાને વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. એસ.એ. ગોહિલના માર્ગદર્શનના આધારે સ્ટાફના બી.ડી.પરમાર, રાજેશભાઈ વિશાલભાઈ, તેજપાલસિંહ કિરીટસિંહ, દર્શીતભાઈ ગિરીશભાઈ સહિતના ગઈકાલે વાંકાનેર બાઉન્ડરી પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન જી.જે.3 એચ.કયું.1941 નંબરના બાઇક પર ઈંગ્લીશ દારૂની ડિલિવરી કરવા નીકળેલા રાજકોટના અરુણભાઈ બળદેવભાઈ ચાવડા, હિતેશભાઈ રમેશભાઈ ભાઈ વાઘેલાને પાંચ બોટલ ઈંગ્લીશ દારૂ તથા બાઇક મળીને કુલ રૂ.36750ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.