વાંકાનેર : નેશનલ હાઈવે પર આવેલ મહિકા ગામ ખાતે એક ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેકટર પલટી ગયું હતું અને રોડથી નીચે ઉંધુ પડી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેકટર ચાલકનું મોત થયું છે. વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે નેશનલ હાઈવે પર આવેલ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવા ગયેલ ટ્રેક્ટર ચાલક ડીઝલ પુરાવીને પરત ફરી રહ્યો હતો ત્યારે સામેથી આવતા ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર હાઇવે પરથી નીચે પલટી મારીને ઊંધું પડી ગયુ હતું. આ ઘટનામાં ટ્રેકટર ચાલકનું મૃત્યુ થયું છે. આ બનાવની મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ચાલક વાંકાનેર તાલુકાના ખીજડિયા ગામના કડીવાર રસુલ હાજી હયાત (ઉં.વ આશરે ૪૦) પોતાની માલિકીનું ટ્રેક્ટર લઈને મહીકા ગામે પોતાના સસરા હાજીભાઇ મોટા ફળીયાવાળાની ખેતી કરવા માટે ગયા હતા. જેઓ આજે વહેલી સવારે હાઇવે પર ડીઝલ પુરાવીને પરત આવતા હતા ત્યારે સામેથી પુરપાટ સ્પીડે આવતા ટ્રકે ટ્રેક્ટરને ઠોકર મારી દીધી હતી અને ટ્રેક્ટર ગોથું ખાઈને રોડ નીચે ઉંધુ પડ્યું હતું. જેમાં ટ્રેક્ટરના ચાલક દબાઈ જતાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક ખીજડીયા ગામના કડીવાર રસુલ હાજીભાઇ પોતાની પાછળ તેમના પત્ની, એક પુત્ર અને બે પુત્રીને વિલાપ કરતા છોડી ગયા છે. પાક રમજાન માસમાં બનેલા આ બનાવથી કડીવાર પરિવારમાં માતમ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહિકા ગામ ખાતે નેશનલ હાઇવે પર દુકાનો, હોટલ, પેટ્રોલ પંપ અને સ્કૂલ આવેલ હોય આમ છતાં અહીં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો નથી જેથી વારંવાર આવા અકસ્માત થવાની સંભાવના રહે છે અને નાના મોટા અકસ્માતો થતા પણ રહે છે ત્યારે તંત્રએ અહીં સર્વિસ રોડ બનાવવો જોઇએ એવી લોક લાગણી પ્રબળ બની છે.